VALLABH KUL / GLOBAL BHATIA FAMILY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Saturday, October 21, 2017

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી


મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુલ વનરાવન
મારા તનના આંગિણયાંમાં તુલસીના વન
હે મારા પ્રાણ જીવન….

મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી
મારી આંખો વશે ગિરધારી રે ધણી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મોરારિ…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજી ને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું …..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મે તો વલ્લભ પ્રભુજી ના કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મેં તો ભક્તિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો નંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લે જો શ્રીજીબાવા શરણોમાં દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે…..
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી….

Saturday, October 7, 2017

‘વલ્લભ સાખી’ …શ્રી હરિરાયજી કૃત
મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૧-૫)
ભાગ – [૧]


આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ દૈવી જીવોના ઉધ્ધારનું કાર્ય અને કર્તવ્ય વલ્લભ વંશને સોપ્યું છે અને તે માટે જ આપનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કરી ત્યાર બાદ જ ભૂતલ પરથી વિદાય લીધી છે. શ્રી ગુંસાઈજીના દ્વિતીય લાલ શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજીને પણ તેમની ભક્તિ, તેમની વિદ્વતા, તેમના જ્ઞાન અને તેમની પુષ્ટિ સાહિત્ય રચના જેવી અનેકવિધ ઉપલબ્ધીઓને કારણે મહાપ્રભુજી કહેવામાં આવે છે. આપશ્રીના શિક્ષાપત્રો અત્યંત જાણીતા છે અને દરેક વૈષ્ણવના ઘરની શોભા વધારે છે. આપશ્રી દ્વારા સર્જાયેલા વિપુલ સાહિત્યમાં શ્રી વલ્લભ સાખીનો પણ સમાવેશ થાય છે. તેમાં શ્રી વલ્લભાચાર્યજી, આપનો વંશ, વ્રજ, વૈષ્ણવ રત્નો અને અલબત, પ્રભુ સેવાની સાર રૂપ વાતો કાવ્યાત્મક શૈલીમાં કહેવાઈ છે. આ રસાત્મક ગ્રંથનું સત્સંગના માધ્યમે અવગાહન કરવાનો ઉપક્રમ છે. દર મહીને થોડું થોડું રસપાન કરીને આપણે ધન્ય બનીશું. આવો આપણે હરિ, ગુરુ, વૈષ્ણવના ચરણોમાં ભાવ પૂર્વક વંદી પ્રારંભ કરીએ.

श्री वल्लभ पद वंदो सदा, सरस होत सब ‍‌‌‌‌‌‍ज्ञान |
‍’
रसिकरटत आनंद सों, करत सुधारस पान. ||
કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે જેને પૂજ્ય અથવા શ્રદ્ધેય માનતા હોઈએ તેમના આશીર્વાદ યાચીને કરાય. આ જ ભારતીય સંસ્કૃતિ છે. મંગલાચરણમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભને જ પ્રાર્થે છે કારણ કે આપની કૃપાથી જ સાચું અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. દૈવી જીવોને આ કરાલ કલિ કાલમાં પણ શ્રીકૃષ્ણની સારસ્વત કલ્પની લીલાનો આસ્વાદ અને અનુભૂતિ આપવા આપે ભૂતલ પર પધારવાનો પરિશ્રમ કીધો છે. આથી જ સાચા અને સારા, કહો કે દિવ્ય આધ્યાત્મિક જ્ઞાનના દાતા તો શ્રી વલ્લભ જ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રારંભે જ આપનું આનંદએવું નામ બિરાજે છે અહીં શ્રીહરિરાયજી કદાચ એ જ નામ લેતાં કહે છે કે શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવાથી અમૃતનું પાન કરવા મળે છે. સ્વર્ગનું અમૃત તો માત્ર મૃત્યુથી રક્ષણ આપે છે, શ્રી વલ્લભ સુધા તો પ્રભુથી વિખુટા પડેલા જીવને પ્રભુ સાથેનો સંબંધ જોડી આપે છે.

ओर कछु जान्यो नहीं, बिना श्री वल्लभ एक |
कर ग्रहि के छांड़े नहीं, जिनकी ऐसी टेक ||
શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ સિવાય હું કાંઈ જાણતો જ નથી. વાત એકનિષ્ઠ દ્રઢ આશ્રયની છે. ભક્તની આસ્થા, શ્રદ્ધા અને નિષ્ઠાનું ધ્રુવ કેન્દ્ર શ્રી વલ્લભના ચરણારવિંદ જ હોવાં ઘટે. આ દ્રઢતા અકારણ નથી, આ શ્રદ્ધા છે અંધશ્રદ્ધા નહીં તે દર્શાવતા શ્રી હરિરાયજી કહે છે કે મારા શ્રી વલ્લભનું બિરૂદ એવું છે કે એક વાર જીવનો હાથ પકડે પછી ક્યારે ય છોડતા નથી. શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસજી ચરિત્ર પરથી પણ આ જ વાત સિદ્ધ થાય છે. અત્યંત ગુસ્સામાં પણ, વૈષ્ણવોનો અપરાધ કર્યો હતો છતાં મહાપ્રભુજીએ માત્ર વૈદિક વિધિથી ત્યાગ કર્યો હતો. આપે દિલથી ક્યારેય અળગા કર્યા ન હતા.

श्री वल्लभ वल्लभ रटत हों, जहाँ देखो तहां येह |
इन्हीं छांड और हीं भजे, तो जर जावो वा देह ||

માત્ર અવિરત સ્મરણ જ નહીઁ શ્રીહરિરાયજીને તો અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભનાં જ દર્શન થાય છે. આપણને ગુજરાતીઓને કવિ કલાપીની પેલી પંક્તિઓ જ્યાં જ્યાં નજર મારી ઠરે…’ યાદ આવી જ જાય. મર્યાદા માર્ગમાં પણ કહેવાયું છે કે દરેક જીવમાં પરમાત્માને જુઓ. આપણે વૈષ્ણવોએ તો દ્વિવિધ આંધરોઅને એહી તેહી, તેહી એહીની ગળથૂથી પીધી હોવાથી શ્રી વલ્લભ અને શ્રીજી બાવામાં કશો ભેદ દેખાતો જ નથી. જો બધે જ શ્રી વલ્લભના દર્શન થાય તેવી તન્મયતા પ્રાપ્ત થઇ હોય તો પછી બીજું કાઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, સાકરનો સ્વાદ ચાખી લીધા પછી ભલા ખાખરાના સ્વાદમાં રસ આવે ખરો? ન જ આવે. આથી જ શ્રી હરિરાયજી કહે છે કે એમને છોડીને અન્યને ભજવા કરતાં તો આ દેહ ભસ્મીભૂત થઇ જાય તે જ યોગ્ય છે. દ્રઢ નિર્ણય ધરાવનારા હંમેશા ‘Do or Die’ ની ખુમારી ધરાવતા હોય છે. તેવી જ રીતે દ્રઢ આશ્રય ધરાવનારા પણ અન્યાશ્રય કરવા કરતાં દેહ પાડી દેવાને તૈયાર થઇ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ જ વાત છે કે અન્ય ધર્મ ભયાવહ છે, તેના કરતાં પોતાના ધર્મમાં નિધન શ્રેયસ્કર છે.

देवी देव आराधिके, भूल्यो सब संसार |
श्री वल्लभ नाम नौका बिना, कहो को उतर्यों पार ||

હિંદુ ધર્મમાં જ ૩૩ કરોડ દેવી-દેવતા માનવામાં આવે છે; અન્ય ધર્મોના તો જુદા! આપણાં આખા કવિ અખાએ ગયું છે કે પથ્થર એટલા પૂજ્યા દેવ’. સમગ્ર સંસારના લોકો અનેક દેવી દેવતાઓને યાચીને સંસારમાં અટવાતા રહે છે. રણમાં ભૂલા પડેલા વટેમાર્ગુની જેમ ઝાંઝવાના જળ પાછળ ભટકતા રહે છે. પોતાનું સાચું શ્રેય શામાં છે તે ભૂલી જાય છે. સંસાર સાગરમાં અનેક અવરોધો રહેલા છે. ઊંચા મોજાઓ, ભરતી, ઓટ, ઝંઝાવાતી પવનો, વિકરાળ જળચરો સૌ મળી માણસની જીવન યાત્રાને વિકટ બનાવે છે. આ સમસ્યા વિકટ છે પણ પ્રભુ નિકટ ન હોય તો જ. આ અફાટ સમંદર પાર કરવા માટે એક આસાન ઉપાય છે શ્રી વલ્લભ નામ નૌકાનો આશ્રય. જેઓ કૃપાથી વંચિત રહી ગયા છે અને આ નૌકાનો સહારો નથી મળી શક્યો તેમના માટે પાર ઉતરવું અત્યંત દુષ્કર, કહો કે અસંભવ છે. તેમને તો અહીં જ ડુબકા ખાતા રહેવાનું છે.

ऐसे प्रभु क्यों विसारिये, जाकी कृपा अपार |
पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार ||

આપણને ભવસાગર પાર ઉતારવાની પારાવાર કૃપા કરે તેવા પ્રભુને કેમ ભૂલીએ? આપણું નાનું પણ કામ કરી આપનારને પણ આપણે ક્યારે ય ભૂલતા નથી તો પછી આવી અસીમ કૃપા કરનારા પ્રભુને તો કેમ વિસરીએ? શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રત્યેક પળે શ્રી વલ્લભના નામનું રટણ કરતા રહેવું જોઈએ. આમ પણ આચાર્યશ્રીનો સિધ્ધાંત જ છે કે ગાયના શીંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું અનુસંધાન છૂટે તો આસુરાવેશ થઇ જાય. આચાર્યજીની કૃપાથી પ્રભુએ આ પરમ પાવક પુષ્ટિ માર્ગમાં આપણું વરણ કર્યું છે, તે કૃપા વ્યર્થ ન જાય, પુષ્ટિમાં થયેલો સ્વીકાર એળે ન જાય તે માટે પણ આપણે આસુરાવેશથી બચવાનું છે. દાન કરતા દાની મોટા એ મહત્વની વાત વીસર્યા વગર આપણે સતત શ્રી વલ્લભનું નામ લેતા રહેવાનું છે. જો એ વ્યસન થઇ જાય તો સમજો આપણો બેડો પાર!

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.
‘વલ્લભ સાખી’ …શ્રી હરિરાયજી કૃત વલ્લભ સાખી’ …શ્રી હરિરાયજી કૃત
મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત   શ્રી વલ્લભ સાખી  (૫૭-૫૮)

[ભાગ -૧૧]
શ્રી વલ્લભ  શ્રી વલ્લભ જે કહે, રહત સદા મન તોષ
તાકે પાતક યોં જરેજ્યોં સૂરજ તે ઓષ ||૫૭||
 
૫૪ મી સાખીમાં કહયું હતું તેમ શ્રી વલ્લભના ભક્તોના મુખમાં આપનું નામ સદા સર્વદા બિરાજે છે. શ્રી હરિરાયજી કહે છે કે જે ભક્તો શ્રી વલ્લભનું નામ ઉચ્ચારતા રહે છે તેમના હૃદયમાં સદા સંતોષમય સંતૃપ્તિનું સરસ સામ્રાજ્ય સમાયેલું હોય છે. નામ ઉચ્ચારતા રહેવું એટલે સતત શ્રી વલ્લભના ચરણારવિંદનું અનુસંધાન રાખીને તેમના સ્મરણમાં રત રહેવું.  આવું ત્યારે જ થાય જ્યારે શ્રી વલ્લભમાં દ્રઢ, અતુટ, અનન્ય શ્રધ્ધા અને ભક્તિ હોય. આવા ભક્તોના તન મનમાં એક જ પદ સતત ગુંજતુ રહે છે, એક જ ભાવના રહે છે, એક જ આશ્રય હોય છે: ‘મેરો તો આધાર શ્રી વલ્લભકે ચરણારવિંદ’. આ ભક્તોને માટે માથાનો મુગટ કહો કે, ગળાનો કે હૃદયનો હાર, સર્વ સારનો સાર  બધું જ શ્રી વલ્લભના ચરણારવિંદ છે.

આવા સર્વ સારના પણ સાર શ્રી વલ્લભના ચરિત્ર  સાગરમાં ડૂબકી લગાવી શ્રી ગુસાંઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર ૧૦૮ નામ રત્નોથી સજાવ્યું છે. આવો તેમાંના થોડા યાદ કરીને ધન્ય થઈએ.

શ્રી વલ્લભ સહજ સુંદર (સર્વો. સ્તો. શ્લો. ૩૨) અને અતિ મોહન (શ્લો. ૨૭) હોઈ ભક્તો સદા તેમનું નામ રટે છે. આપ પૂર્ણકામ:, પૂર્ણાનંદ: (બન્ને શ્લોક ૧૯) છે, આપ હંમેશા પોતાના આનંદમાં મગ્ન રહેનાર (સ્વાનંદતુંન્દીલ શ્લો.૧૩) હોઈ આપના ભક્તોના હૃદયમાં પણ સદા સકલ સંતોષનું સુખ સામ્રાજ્ય રહે છે.  વળી આપ નિખીલેષ્ટદ: (શ્લો.૧૨) એટલે કે  ભક્તે જે કાંઈ પ્રભુના સ્વરૂપ સંબંધી ઈચ્છયું  હોય તે સર્વ આપનારા હોઈ આપના ભક્તો કૃપા-વર્ષા માટે વિશ્વસ્ત રહે છે.  તેથી સદા સંતુષ્ટ હોય છે.

આ ભક્તોને શ્રી વલ્લભની ભક્તિનું ફળ નથી જોઈતું. તેઓ તો નિષ્કામ ભક્તિના આદર્શ ઉદાહરણ છે. તેમને તો બસ શ્રી વલ્લભના પરમ પ્રેમના પીયુષ પીવા છે. ભક્તિના ફળરૂપે કાંઈ મળે તેવી અપેક્ષા રાખીએ તો તે સકામ ભક્તિ ગણાય. એક હાથે આપી બીજા હાથે લઇ લેવાની વેપારી વૃત્તિ ગણાય. પ્રેમલક્ષણા ભક્તિમાં સર્વસ્વ સમર્પી સંતુષ્ટ થવાનું હોય છે. ભક્તોને ભલે અપેક્ષા ન હોય પણ સમર્થ શ્રી વલ્લભના ચરણારવિંદનું સાનિધ્ય નિરર્થક જઈ જ ન શકે. આપ અદેયદાન દેવામાં દક્ષ એટલે કે કુશળ (શ્લોક ૧૧) છે. દુન્યવી અગ્નિનો પણ એ ગુણધર્મ છે કે જે કાંઈ પણ તેના સંપર્કમાં આવે તેને શુદ્ધ કરે છે, તો પછી  શ્રી વલ્લભ તો આધિદૈવિક અગ્નિ સ્વરૂપ (વૈશ્વાનર:) છે. તેમના સંપર્કમાં ભક્ત માટે જે કાંઈ બાધક છે, જે કાંઇ પ્રભુની પ્રાપ્તિમાં અવરોધરૂપ છે તે આપોઆપ બળી જાય છે. જીવે અનેક જન્મોના કર્મોની ગાંઠડી બાંધી હોય તે પ્રભુ મિલનમાં અંતરાય બની શકે તે બધા જ પાપ અને બધા જ બંધનો બળી જાય છે. ભક્ત પાવન બને છે.આથી જ સર્વોત્તમ સ્તોત્રમાં (શ્લો.૨૭) આપનું પતિત પાવન: નામ કહેવાયું છે. શ્રી વલ્લભ પોતાના ભક્તને  પ્રભુને પામવા માટે જરૂરી પવિત્રતા અને યોગ્યતા અનાયાસે જ આપી દે છે કારણ કે આપભક્તમાત્રાસક્ત’  (શ્લો.૨૭) છે.  સવારમાં વનસ્પતિ ઉપર ઝાકળ બિંદુઓ બાઝી ગયા હોય તે સૂર્યના આગમનની એંધાણીએ જ નષ્ટ થઇ જાય છે. સૂર્યે તે માટે વિશેષ પ્રયત્ન કરવાનો રહેતો નથી. તેનું આગમન કે તેની હાજરી જ પુરતી છે. તેવી જ રીતે ભક્ત તો શું શ્રી વલ્લભે પણ પ્રયત્ન કરવાનો રહેતો નથી. આપના ઉગ્ર પ્રતાપ (શ્લો.૧૫)ના બળે સર્વ પાતક અનાયાસે જ બળી જાય છે. પાપ નાશથી ભક્ત પ્રભુને લાયક બને છે. શ્રી યમુનાષ્ટકમાં કહયું છે તેમ તનુનવત્વ સિદ્ધ થાય છે.

શ્રી વલ્લભ શ્રી વલ્લભ ભજે, સદા સોહિલો હોય |
દુ:ખ ભાજે દારિદ્ર ટરે, વૈરી ન ગાજે કોય ||૫૮|

ઉપરની જ વાત આગળ વધારતાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભના ભક્તોના સૌભાગ્યની વાત કરે છે. જેમને માથે શ્રી વલ્લભ જેવા ધણી હોય તે હંમેશા સુહાગી, સૌભાગ્યવાન હોય છે. લૌકીકમાં સધવા સ્ત્રીને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. સમાજમાં આવી સ્ત્રીને માન સન્માન મળે છે. તે પતિના આશ્રયે નિર્ભય બનીને જીવે છે કારણ કે તેને વિશ્વાસ હોય છે કે જરૂરત પડે તો તેનો પતિ તેનું ચોક્કસ રક્ષણ કરશે.  એવી જ રીતે વૈષ્ણવોના માથે શ્રી વલ્લભ બિરાજતા હોઈ તેઓ પણ ચિંતા રહિત, નિર્ભય થઈને જીવન વ્યતીત કરે છે. તેઓના મનમાં શ્રી વલ્લભના સેવક હોવાનો સૌભાગ્ય મદ છલકે છે. લૌકિક કે અલૌકિક કોઈ પણ વિપત્તિ આવે તો ભક્તને ખબર પણ ન પડે તેમ શ્રી વલ્લભ પોતાના ભક્તને તેનાથી બચાવી લે છે. એવી માન્યતા છે કે કલ્પવૃક્ષની નીચે ઉભા રહી જે ઈચ્છા કરીએ તે મળી જાય છે, આપણે ત્યાં કહેવાય છે કે માગ્યા વગર માતા પણ ન પીરસે પણ શ્રી વલ્લભ સ્વયં વગર માગ્યે અને વગર અપેક્ષાએ ભક્તનું ભલું કરતા રહે છે. સર્વ ભક્તોમાં આપ આસક્ત (શ્લો. ૨૭) છે. ભક્તપરાયણ હોઈ ભક્તોના માર્ગદર્શન માટે આપે વિપુલ સાહિત્યનું (નાના વાક્ય નિરૂપક:) (શ્લો. ૨૦) સર્જન કર્યું છે. ભક્તના ઉધ્ધાર માટે આપ સતત પ્રયત્નશીલ રહે છે. આથી જ શ્રી વલ્લભના ભક્તો સદા સુહાગી છે.

શ્રી વલ્લભને ભજવાથી વગર માગ્યે વિવિધ લાભ મળે છે. સૂર્યના આગમન પછી અંધારું નાશી જાય તેવી રીતે  જ શ્રી વલ્લભની ભક્તિથી દુઃખનો નાશ થાય છે. શ્રી હરિરાયજીની વાણી ગુઢ છે. ભક્તના દુ:ખના નાશની વાત છે પણ ક્યા દુ:ખ? ભક્તને લૌકિક દુ:ખની શું લૌકિક સુખની પણ દરકાર ન હોય. તેઓ તો ‘નિજેચ્છાત કરિષ્યતી નો વિવેક ધરાવતા હોય છે. આધિભૌક્તિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારના દુ:ખ સહન કરવાનું ધૈર્ય અને અતૂટ આસ્થા અને અનન્ય આશ્રયનો  તેમના અંતરમાં આવાસ હોય છે. ભક્તોને પ્રભુ ન મળ્યાનું દુ:ખ સૌથી મોટું લાગે છે. એ દુ:ખ અને એ આર્તિ તો ખરાં જ અન્ય સઘળાં દુ:ખો પણ શ્રી વલ્લભના સ્મરણથી દુર થાય છે. આથી જ આપનું એક નામ ‘સ્મૃતીમાત્રાર્તિનાશન:(શ્લો. ૭) છે.

દારિદ્રયનો વ્યાપક અર્થ સમજવા આપણે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આર્થિક અભાવથી જ ગરીબ ન બનાય. તેનો ઉપાય તો  નાણાંથી  થઇ શકે છે. ભક્તનો આર્થિક અભાવ તો દુર થાય જ પણ આ તો શ્રી વલ્લભનું શરણ છે, ભાઈ! આપણે ભક્તિ, સ્નેહ, આશ્રય જેવા અનેક ઇચ્છનીય ગુણોની ગેરહાજરીથી ગ્રસિત ગરીબ હોઈ શકીએ છીએ. આવા દારીદ્રયો પણ  શ્રી વલ્લભની ભક્તિથી અનાયાસે દુર થઇ જાય છે.

ત્રીજો લાભ એ વર્ણવ્યો  કે ભક્તના બધા જ વેરી નબળા પડી જાય (ગાજતા બંધ થાય) છે. સૌ પ્રથમ તો સંસાર જ ભક્ત માટે વેરીનું કામ કરે છે કારણ કે અહંતા અને મમતાના પાશ  તેની આધ્યાત્મિક પ્રગતિને અવરોધે છે. તેવી જ રીતે માનવ મનમાં રહેલી અન્ય અનેક નબળાઈઓ (frailties) પણ વેરીનું કામ કરે છે. આ બધાનું જોર નરમ પડી જાય છે તેથી ભક્તિ તે બધા પર હાવી થઇ શકે છે. આ આંતરિક વેરીઓ ઉપરાંત સાંસારિક વેરીઓ પણ નબળા પડી જતાં ભક્તિમાર્ગે સડસડાટ પ્રગતિ શક્ય બને છે. આથી જ શ્રી વલ્લભના ભક્ત સદા સુહાગી સૌભાગ્યશાળી(lucky) બની રહે છે.

આજે આ સૌભાગ્યને સ્મરીને અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.  ક્રમશ:
મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત   શ્રી વલ્લભ સાખી  (૫૪-૫૬)

[ભાગ -૧૦]

vallabh sakhi

ઉર બિચ ગોકુલ નયન જળ, મુખ શ્રી વલ્લભ નામ |
અસ તાદ્રશી કે સંગ તેં, હોત સકલ સિદ્ધ કામ ||૫૪||
પ્રથમ કારીકામાં તાદ્રશીજનનો સાદ્રશ  પરિચય છે. સાચા ભગવદીય અહર્નિશ પ્રભુમય હોય. તેમના રોમ રોમમાં પ્રભુ વસતા હોય છે. અહીં શ્રી હરિરાયજી કહે છે કે તાદ્રશીના હૃદયમાં ગોકુળ વસે છે. શ્રીમદ ભગવત ગીતમાં પણ પ્રભુ એ કહયું છે કે,યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્” (જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું તેમનામાં છું.). પ્રભુ ભક્તના હૃદયમાં અને ભક્ત પ્રભુના હૃદયમાં વસે છે.  પેલા ધોળમાં પણ કહયું છે ને કેમારૂં મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણીયામાં તુલસીના વન ભક્તનું હૃદય પ્રભુની લીલાસ્થળી હોઈ ગોકુળ-વૃંદાવન જેટલું જ પાવક અને પાવન છે. ત્યાં પ્રભુ સદા રમણ કરે છે. આવા ભક્તોને ફળરૂપા માનસી સેવા સિદ્ધ થઇ હોય છે.

આવા ભક્તો સદા વિરહ તાપ જનિત આર્તિ અનુભવતા હોય છે. પ્રભુના વિરહમાં તેમના નયનમાં આંસુ ભરેલા જ હોય છે. સંયોગની સ્થિતિમાં પણ પ્રભુની કરૂણાના ઋણથી આંખો સજળ રહે અને વિરહમાં પ્રભુ ક્યારે દર્શન સુખ આપશે તેની લ્હાયમાં આંસુ વહેતાં રહેતા હોય છે.  આમ તેમના નેત્રો હંમેશા સજલ રહે છે. તેમના ભાવભીનાં આર્દ્ર હૃદયની જેમ નયન પણ ભીંજાયેલા જ રહે છે.

પ્રભુના મિલનની આર્તિ શાંત કરવા માટે શ્રી વલ્લભનું નામ અકસીર છે. આચાર્યશ્રીનું એક નામ સ્મૃતિ માત્રાર્તીનાશન: છે. ઠાકોરજીનું મિલન સહેલાઈથી ન થાય. તેમની કૃપા હોય તો  કદાચ ભક્તના હૃદયમાં પિયા મિલનની આશા જાગે, પ્રભુ ક્યારે મળશે તેની તાલાવેલી જાગે, ઉત્કટ ભાવનાના પરિણામ સ્વરૂપે પ્રભુને મેળવવાની ઝંખના જાગે અને તે ન મળે એટલે વિરહાગ્ની પ્રજ્વલિત થાય. આ આર્તિનું શમન માત્ર પ્રભુ મિલનથી જ થઇ શકે જેને માટે આચાર્યશ્રીની કૃપા થવી અનિવાર્ય આવશ્યકતા છે. તે થાય તો જ આર્તિ શાંત થાય અને તેથી જ આ નામ સર્વોત્તમ સ્તોત્રના ૭મા શ્લોકમાં બિરાજે છે.  આમ તો વૈશ્વાનર શ્રી વલ્લભ  આધિદૈવિક અગ્નિ સ્વરૂપ છે પણ તેમનું સ્મરણ આર્તિના શમનની કૃપાનું કારક બને છે. તેથી જ તાદ્રશીના મુખમાં સતત શ્રી વલ્લભનું નામ રહે છે.

આવા ભગવદીયનો સંગ પ્રાપ્ત થઇ જાય તો આપણો બેડો પાર! જીવન ધન્ય થઇ જાય. આપણા સર્વ અલૌકિક મનોરથ તેમના સંગ માત્રથી સિદ્ધ થઇ જાય. સુવર્ણ પાત્ર લઈને ભિક્ષા માંગવા ન નીકળાય તેવી જ રીતે આવા ભગવદીયના સંગે લૌકિક મનોરથ સિદ્ધીની કામના ન કરાય.  આવા ભગવદીયોના સાનિધ્યમાં લૌકિક લાલસા જાગે જ નહીં.

બિનુ દેખે આતુર રહે, પ્રેમ બાગકો ફૂલ |
ચિત્ત ન માને તાહિ બિનુ, પ્રેમ જો સબકો મૂળ ||૫૫||
તાદ્રશી જનોના ગુણાનુવાદ આગળ વધારતાં શ્રી હરિરાયજી કહે છે કે ભક્તો દર્શન માટે સદા આતુર હોય છે. ગોપીજનોની જેમ આ ભક્તોને પણ પલક ઝપકે તેટલો વિક્ષેપ અનુકુળ નથી આવતો. પ્રભુની સેવામાં સક્રિય ન હોય ત્યારે (અનવસરમાં) વિરહાર્તિથી વ્યાકુળ હોય છે. ક્યારે પ્રભુ મળે અને ક્યારે નયનોને દર્શન સુખ પ્રાપ્ત થાય તેની વ્યથા સતત ચિત્તમાં રમતી રહે છે. સારસ્વત કલ્પમાં પ્રભુ શ્રીકૃષ્ણ ગોચારણમાં જતા ત્યારે ગોપીઓની દશા પણ આવી જ થતી. આ ભાવનાઓ શ્રી ભાગવતજીમાં ‘વેણુગીત સ્વરૂપે અભિવ્યક્ત થઇ છે. આ ભક્તો પ્રેમ બાગની શોભા વધારતા પુષ્પો જેવા છે. જેમ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જ ફરતું રહે છે તેમ આ ભક્ત પુષ્પો પણ હંમેશા વલ્લભોન્મુખ રહે છે. ભૌતિક રીતે જોઈએ તો બાગની શોભા પુષ્પથી જ છે. રંગ બેરંગી પુષ્પો જ બગીચાને આકર્ષક બનાવે છે. તેવી જ રીતે આ ભક્ત-પુષ્પો જ આ ભક્તિ બાગના આભુષણ છે.

આ ભક્તજનોનું ચિત્ત શ્રી વલ્લભના ચરણોમાં સદા ચોટેલું રહે છે. જેમ ધ્રુવ તારક અવિચલ છે તેવી જ રીતે તેમની ચિત્તવૃત્તિ વલ્લભમાં નિર્વિકલ્પપણે ધ્રુવીભુત થયેલી હોય છે. તેમને સાનિધ્યનું એવું વ્યસન હોય છે કે તેના વગર એક પળ પણ ચેન નથી પડતું.

આ બધાના મૂળમાં પ્રેમ, નૈસર્ગિક સ્નેહ જ રહેલો છે. આપણો માર્ગ જ પ્રેમ માર્ગ છે ને ?

કૃષ્ણ પ્રેમ માતો રહે, ધરે ન કાહૂ શંક |
તીન ગાંઠ કોપીન પેં, ગીને ઇન્દ્ર કો રંક ||૫૬||
હાથી માટે એવું મનાય છે કે તેના ગંડસ્થળમાંથી  ઝરતા મદથી તે મસ્તીમાં રત રહે  છે. તેવી જ રીતે તાદ્રશી ભક્તોના અંતરમાં સતત  ઝરતા પ્રેમ અને ભક્તિના રસમાં તેઓ પણ  હંમેશા પ્રભુ-પ્રેમમાં મદમાતા રહે છે. પ્રભુના સતત માનસિક સાનિધ્યનો સૌભાગ્યમદ તેમને એક જુદા જ સ્તરમાં મહાલતા કરી દે છે. જેમને અંગ્રેજીમાં rock solid કહે છે તેવા અચલ, અટલ, અડોલ, નિશ્ચલ કે ધ્રુવ-તારક સો દ્રઢ વિશ્વાસ ભક્તોના હૃદયમાંથી લગીર પણ ચલાયમાન થતો નથી. મેરૂ ચળે પણ તેમના મન જરીકે ય ચળતાં નથી. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં વર્ણવાયો છે તેવો કપરો દેશ કાલ  હોવા છતાં તેમનો આશ્રય અક્ષુણ્ણ રહે છે. આવા તાદ્રશી જનોનું અનુસંધાન સીધું જ જગ નિયંતા સાથે હોય છે.  તેઓ કોઈની દરકાર રાખતા નથી. અષ્ટ સખા અને પરમ ભગવદીય કુંભનદાસજીનું પેલું બહુ જાણીતું પદ “ભકતન કો કહા સીકરી કામ”  એ જ વાતનું દ્યોતક છે. સમગ્ર ભારતના અધિપતિ અને પ્રતાપી એવા અકબર બાદશાહને ‘જેનું મોઢું જોવું પણ ન ગમે તેને સલામ કરવી પડી કહી શકવાની હિંમત અને દિલેરી કાંઇ જેવી તેવી વાત છે? કૃષ્ણ પ્રેમમાં મદમાતા તાદ્રશી ભક્ત જ આવું કહી શકે.

આ ભક્તોનો આશ્રય અનુઠો અને અનોખો તો તેમનાં વિવેક અને ધૈર્ય અનુપમ હોય છે. તેમને પ્રભુ કૃપામાં લેશ પણ શંકા હોતી નથી, ભક્ત કવિ દયારામભાઈએ એટલે જ ગાયું છે કે “નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો”. ગીતાજીમાં પણ પ્રભુ એ સ્વમુખે કહયું છે કે સંશય કરનારાનો વિનાશ થાય છે.આવા ભગવદીયોના મનમાં દ્વિધા કે શંકાનો વરવો વાસ નથી હોતો. શ્રધ્ધા, વિશ્વાસ, આસ્થા, આશ્રય અને સમર્પણનો સમંદર તેમના હૃદયમાં ઘૂઘવે છે.

આવા ભક્તો સુદામાના સગા ભાઈ જેવા નીષ્કિંચન હોય છે. તેમને દુન્યવી સંપત્તિમાં જરાય મોહ નથી હોતો. પ્રભુને પારાવાર પ્રેમ કરે તે ખરૂં પણ તેમના અર્ધાંગીની લક્ષ્મીજી સાથે જરાય લગાવ નહીં. શ્રી હરિરાય મહાપ્રભુ તેમની ‘સંપદા વર્ણવતા કહે છે કે તેમના કૌપીનમાં પણ ત્રણ ગાંઠ છે. એક તો લંગોટી તેમાં પણ સાંધાના વાંધા! ભક્તોને પોતાના દેખાવની જરાય ચિંતા નથી હોતી. સામાજિક જરૂરત મુજબ વેશ પરિધાન કરવા સિવાય તેમને પોતાના વસ્ત્રો કે અન્ય ટાપટીપની પરવા નથી હોતી. ઉપર કહયું તેમ આવા દુન્યવી દ્રષ્ટીએ કંગાળ ભક્તો પ્રભુના સામિપ્યથી મદમાતા હોય છે. તેમને પ્રભુ રૂપી અનમોલ નિધિ પ્રાપ્ત થઇ હોવાથી તેઓ અન્ય સૌને (આધ્યાત્મિક) ગરીબ અને તુચ્છ ગણે છે. અહિં એ જ વાત ટૂંકમાં પણ સટીક રીતે કહેતાં શ્રી હરિરાયજી કહે છે કે આવા તાદ્રશી જનો સ્વર્ગના અધિપતિ ઇન્દ્રને પણ રંક ગણે છે.


આવા આધ્યાત્મિક સંપત્તિવાન ભક્તોના મંગલ સ્મરણ સાથે અહીં જ વિરમીએ. જયશ્રીકૃષ્ણ.

 
મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત   શ્રી વલ્લભ સાખી  (૫૦-૫૩)

[ભાગ ૯]

vallabh sakhi

11

શ્રીવલ્લભ ધીરજ ધરે તેં, કુંજર મન ભર ખાય |
એક ટૂક કે કારનેં, શ્વાન બહુત ઘર જાય || ૫૦||
 
  સાખીના દર્શન થતાં જ આપણને પેલી ગુજરાતી કહેતી  કીડીને કણ અને હાથીને મણ’ યાદ આવી જાય. આ એક જ સાખીમાં શ્રી વિવેક ધૈર્યાશ્રાય અને શ્રી કૃષ્ણાશ્રય એમ બે બે ગ્રંથોનું હાર્દ સમાયું છે. ધીરજના પાયામાં વિશ્વાસ રહેલો છે. જેને સાચો આશ્રય સિદ્ધ થયો હોય તે ભક્ત ક્યારેય અધિરો ન થાય.કારણ કે તેને પ્રભુના સામર્થ્યમાં અને તેમની કૃપામાં અટલ વિશ્વાસ હોય છે.તેને પાકી ખાતરી હોય છે કે  તેના યોગ ક્ષેમની ચિંતા તેના પ્રભુને છે જ.
 

અહીં શ્રી હરિરાયજી હાથી અને શ્વાનનું ઉદાહરણ આપે છે. આપણે જાણીયે છીએ કે હાથીને તેના શરીરને અનુરૂપ ઘણા વધુ ખોરાકની જરૂરત પડે છે. તેની સરખામણીએ કુતરાની જરૂરત ઓછી હોય છે. આમ હોવા છતાં વધુ જરૂરિયાતવાળા હાથીભાઈ ખોરાક માટે ભટકવા જતા નથી. તેની ધીરજના ફળરૂપે કહો તો તેમ, તેને જરૂરત પુરતો ખોરાક મળી જ રહે છે.  આની સામે કુતરો રોટલાની ટુક-ટુક  માટે ઘરે ઘરે ભટકે છે, લાકડીનો માર ખાય છે, હડ હડના અપમાનો પણ સહન કરે છે. આ બંને પ્રાણીના વર્તનમાં ઉજાગર થતાં ધીરજ અને વિશ્વાસના ગુણોની સરખામણી દર્શાવી આપ ધીરજના ગુણનું મહિમા મંડન કરે છે.

સ. સ્તો.ના ૨૦મા શ્લોકમાં શ્રી ગુસાંઈજી મહારાજે આચાર્યશ્રીને ભક્ત પરાયણ:કહ્યા છે. ભક્તને પરાયણ હોવાથી આપ ભક્તની સર્વ જરૂરતોનું ધ્યાન રાખે જ છે. આ ‘સર્વ’ ને પરિભાષિત કરીએ તો કહી શકાય કે ભક્તની લૌકિક અને અલૌકિક જરૂરતો, તેનું પ્રેય અને વિશેષ તો તેનું શ્રેય એ સર્વની સંભાળ આપ રાખે છે. આમ હોવાથી વૈષ્ણવે ધીરજ રાખવી જોઈએ. જો ચાતક જેવું પક્ષી પણ સ્વાતિ નક્ષત્રના વરસાદની ધીરજપૂર્વક રાહ જોઈ શકે તો પછી આપણે કેમ ધીરજ ન ધારણ કરી શકીએ  આપણે પૂર્ણ પુરુષોત્તમ, શ્રી કૃષ્ણના મુખારવિંદરૂપ [કૃષ્ણાસ્યમ: (સ.સ્તો. શ્લો. ૭)] ત્રિલોકના ભૂષણ (સ.સ્તો. શ્લો. ૩૨), નીખીલ અર્થાત બધું જ આપનાર [નીખીલેષ્ટદ: (સ.સ્તો. શ્લો.૧૨)] એવા શ્રી મહાપ્રભુજીના સેવકો છીએ તે યાદ રાખીએ. આપણું કર્તવ્ય છે કે વિવેક, આશ્રય અને તેથી પ્રાપ્ત થતી ધીરજને ક્યારેય છોડીએ નહીં.

રસિક જન બહુ ના મિલે, સિંહ યુથ નાહિં હોય |
વિરહ બેલ જહાં તહાં નહીં, ઘટ ઘટ પ્રેમ ના હોય ||૫૧||

કહયું છે કે, ‘રસના કુંડા ન હોય તેવી રીતે રસિક જન હંમેશા જુજ જ મળે છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહયું છે કે  शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । साधवो नहि सर्वत्र चन्दनं न वने वने ॥ અર્થાત: માણેક રત્ન દરેક પર્વતમાં ન મળે, દરેક હાથીના ગંડસ્થળમાં મોતી નથી હોતા, સાધુ પુરુષો અત્ર તત્ર સર્વત્ર નથી મળી આવતા અને વને વને  ચંદન વૃક્ષ ઉગતા નથી. આ સઘળું સહેલાઈથી પ્રાપ્ય નથી તેને શોધવા નીકળવું પડે છે. તેવી જ રીતે જો સાચો  જીજ્ઞાસુ દીવો લઈને સાચી આતુરતા  સાથે શોધવા નીકળે તો કદાચિત રસિક જન મળી આવે. અલબત, અહીં પ્રભુના રસના રસિકોની વાત છે. દુન્યવી વિષયોમાં રસ લેનારા તો અનેક હોય છે જ પ્રભુના રસમાં તરબોળ રસિકો અત્યંત દુર્લભ છે.  આપણે જાણીએ છીએ કે ઘેટાં-બકરા અને તેવાં અન્ય પ્રાણીઓ ટોળાંમાં રહે છે જ્યારે સિંહ એકલવીર હોય છે. આ વાત જે તે પ્રાણીઓની મનોવૃત્તિ પણ દર્શાવે છે. ડરપોક અને વિશ્વાસ વિહોણા પ્રાણીઓ જ પરસ્પર સહારાની આશા અને અપેક્ષામાં ટોળું પસંદ કરે છે. આનાથી વિપરીત રીતેસાચી શ્રધ્ધા અને અનેરા આશ્રયના મૂર્તિમંત સ્વરૂપ રસિકજનો પણ પોતાના પ્રભુની લીલામાં રમમાણ રહી એકલા અટુલા વિહરતા રહે છે. તેઓ માન-પાન કે કીર્તિની અપેક્ષાથી રહિત હોય છે. તેઓને અન્ય વાતોમાં રસ ન હોઈ સંગથી વેગળા રહેવા પ્રયત્નમાન હોય છે.  તેઓ પોતાના અંતરમાં લહેરાતો હરિરસ છલકાઈને બહાર ન આવી જાય, તેમની સાચી સ્થિતિ જાહેર ન થઇ જાય તે માટે પણ અસંગ પસંદ કરતા હોય છે.

એક અચરજભરી વાત એ છે કે પ્રભુના વિરહાગ્નીમાં સતત બળતા ભક્ત જનોના હૃદયમાં પ્રભુનો પ્રેમ હંમેશા લીલોછમ રહે છે. તેમના વિરહની વેલ ક્યારેય કરમાતી નથી. આવી હરિથી હરિયાળી વેલ બધે જોવા નથી મળતી. આવો વિરહ ગોપીજનોના નસીબમાં હતો. જેના માટે હૃદયમાં છલછલતો પ્રેમ જોઈએ. આવો પ્રેમ પણ દુર્લભ જ છે અને તેવું પ્રેમમય હૃદય કોઈક જ રસિક જનને મળતું હોય છે. દરેક માનવીની છાતીની બખોલમાં હૃદય તો ધબકતું જ હોય છે પણ કોઈક વિરલાના જ હૃદયમાં સાચો પ્રભુ પ્રેમ વસતો હોય છે. એમાં પણ વરણની વાત આવે છે. પ્રભુમાં પ્રેમ કરવાથી નથી થતો કૃષ્ણની  દયા હોય અને વલ્લભની માયા હોય તો અને તો જ તે પ્રાપ્ત થાય છે. ‘કરવો પડે તે વળી પ્રેમ કેવો?

હરિજનકી હાંસી કરે, તાહી સકલ વિધિ હાનિ |
તાપર કોપત વ્રજપતિ દુ:ખકો નહીં પરમાનિ ||૫૨||

શ્રીમદ્ ભાગવતમાં અંબરીષ રાજાની કથા છે. ભક્ત અંબરીષનો દ્રોહ કરવા જતાં દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પડ્યું તેમાંથી ભક્તે જ મુક્તિ અપાવી હતી. તે વખતે  સ્વયં ભગવાને દુર્વાસા ઋષિને કહયું કે હું ભક્તોને આધીન હોઈ પરતંત્ર છું. ભક્તો મારા હૃદયરૂપ છે અને હું તેમના હૃદય રૂપ છું. પ્રભુના ભક્તોની હાંસી કરે, તેમને ઉતારી પાડે, તેમને દુ:ખ પહોંચાડે તેવા લોકોને સર્વ રીતે નુકશાન થાય છે. આવા ભક્તદ્રોહીઓ અત્યંત દુ:ખી થાય છે. તેમને આ લોક કે પરલોકમાં સુખ-શાંતિ પ્રાપ્ત થતાં નથી.

ભગવદીયોના હૃદય કરૂણાથી છલોછલ છલકાતા હોય છે. તેઓ હાંસી કરનાર કે દુ;ખી કરનાર ઉપર પણ ગુસ્સે થતા નથી. દરેક પરિસ્થિતિને હરિ ઈચ્છા તરીકે વધાવનાર ભક્તો ગુસ્સે કેમ થાય? ભૃગુ ઋષિની લાતથી પણ ગુસ્સે ન થનાર પ્રભુ ભક્તનો દ્રોહ કરનારની ઉપર કોપાયમાન થયા વગર રહી શકતા નથી. આવા લોકો પ્રભુના કોપનો ભોગ બને છે. દુ:ખનો પાર રહેતો નથી. ભક્ત દ્રોહીને સજા કરતી વખતે પ્રભુ કોઈ માપ, પ્રમાણ કે મર્યાદા જોતા નથી.

છિન ઉતરે છિન હીં ચઢે, છિન છિન આતુર હોય,
નિશ વાસર ભીંજ્યો રહે, પ્રેમી કહિયે સોય ||૫૩||

અહીં શ્રી હરિરાયજી ભગવદીયના લક્ષણ વર્ણવે છે. જેમ દુન્યવી પ્રેમ અને વાસનામાં વ્યક્તિ પોતાની સાન ભાન ગુમાવે છે તેમ પ્રભુના સ્નેહમાં રત ભગવદીયની દશા તેથી પણ વિશેષ ખરાબ હોય છે. પ્રભુ પ્રેમનો જ્વર એક ક્ષણે ચડી જાય તો બીજી જ ક્ષણે ઉતારી જાય છે. સંસારી જનોને તે ઉન્માદની અવસ્થા ભાસે છે. અકળ અને અતુલ્ય ગતિ વાળું મન એક પળે પ્રભુનું સાનિધ્ય અનુભવે તો વળતી પળે વિરહાગ્નીમાં વ્યાકુળ થઇ જાય. પ્રભુના પ્રેમમાં ભિંજાયેલું અંતર પ્રીતમ સાથે મીઠી ગોઠડી માંડે, રૂસણાં લે, ઝગડો પણ કરી બેસે. ક્ષણે ક્ષણનો ભાવ ભિન્ન, ભાવના ભાતીગળ! અંતે તો જો કે મન પ્રભુ પ્રેમમાં રાત-દિન ભીંજાયેલું રહી અલૌકિક અનુભૂતિમાં મસ્ત રહે છે. પ્રેમ લક્ષણા ભક્તિ કહો કે સખ્ય ભક્તિ કહો આવા પ્રેમીઓ  જ સાચા ભક્ત, સાચા સ્નેહી, સાચા ભગવદીય હોય છે.

આવી જ વિહવળ દશા આપણને પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે આજે અહીં જ વિરમીએ. જયશ્રીકૃષ્ણ.
 
મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત ..
શ્રી વલ્લભ સાખી … (૪૮-૪૯)

ભાગ – [૮]


vallabh sakhi

 37
શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ
તાકી જનની બોઝન મરી, વૃથા બજાવે ઢોલ ||૪૮||

શ્રી વલ્લભના સ્મરણ થકી જેણે જન્મ સફળ નથી કર્યો તે કમનસીબ છે. શ્રી વલ્લભનું ચરિત્ર મહા ઉદાર છે (સ.સ્તો.શ્લો.૧૧). આપના સ્મરણથી બધા જ પ્રકારની આર્તિનો નાશ થાય છે કારણ કે આપ કૃપા સાગર છે (સ.સ્તો. શ્લો.૭). આવા શ્રી વલ્લભનું સ્મરણ કે ચિંતન ન કરે અને મિથ્યા, અર્થહીન કે વિકૃત જ્ઞાનના બોલ બોલી પોતાને અને અન્યને અવળે પાટે ચડાવે તેનો જન્મ જ વૃથા ગણાય. કળીયુગનો એ પ્રભાવ છે કે આજે બાહ્ય આડંબર અને ભભકા થકી અનેક કહેવાતા ધર્મો અને સંપ્રદાયો લોકોને ભરમાવી રહ્યા છે. પોતાને સાક્ષાત પ્રભુના અવતાર કે ખુદ ભગવાન ગણાવનારા અનેક આચાર્યો લાખો લોકોને વેદોક્ત અને શાસ્ત્રોક્ત પાવન માર્ગોથી ભ્રષ્ટ કરી પોતે ઉપદેશેલા અહંકાર, લોભ, મોહ કે વિકૃતિના  માર્ગે વાળી રહ્યા છે.

આવા માર્ગો અને આવા ધુતારાઓ  પોતાની વાતને આકર્ષક રીતે જોરશોરથી લોકો સુધી પહોંચાડે છે. એમની વાતો એટલી ભવ્ય અને એટલે જ ભરમાવનારી હોય છે કે સામાન્ય જન તેમની વાતોમાં આવી તેને જ સાચો ધર્મ માની અપનાવી લે છે. તેમના પોલંપોલ ઢોલ નગારાના ભારે અવાજમાં શ્રેય અને સત્યની પીપુડીનો અવાજ દબાઈ જાય છે. પરીણામે આવા અટપટા બોલથી ભરમાઈને માણસ પોતાનો આ  જન્મ વેડફે છે અને ભાવિ જન્મોની અધોગતિને નોતરે છે. એટલું જ નહીં તેને જન્મ આપનાર માતાએ તેને જન્મ આપવાનો અને  લાલન પાલનનો બોજ ઉઠાવ્યો તે પણ વ્યર્થ ગયો ગણાય.  દરેક માતા એવું ઈચ્છતી હોય કે તેનું સંતાન વિશ્વમાં  કશુંક પણ યોગદાન આપીને માતાને યશ અપાવે, તેને આનંદ  અપાવે જેથી તેની પાછળ ઉઠાવેલી જહેમત અને લીધેલી કાળજી લેખે લાગે. કારણ કે દરેક સર્જકની જેમ માતા પણ એવું જ ઈચ્છતી હોય કે તેનું સર્જન અનોખું, અનુઠું, અનેરું અને યશસ્વી બને. જો સંતાન વલ્લભના સ્મરણ થકી માની કોખ ન ઉજાળે, પોતાનો જન્મ સફળ અને સાર્થક ન કરે તો તેના નામનો ઢોલ પીટવો નકામો છે. આમ પણ ઢોલનો પ્રાસ જ નહીં સંબંધ પણ પોલ સાથે જોડાયેલો જ છે. અંદર જેટલું વધુ પોલું હોય ઢોલનો અવાજ તેટલો વધુ મોટો થતો હોય છે. સત્યને મોટા અવાજની જરૂરત નથી પડતી. તેને બણગાં ફૂંકવાની પણ જરૂરત નથી હોતી.

ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન|
આસન જલ વાણી મધુર, યથા શક્તિ સોં અન્ન ||૪૯||

શ્રી હરિ ગુરૂ વૈષ્ણવનું આપણા માર્ગમાં સમાન બલકે એક જ સ્થાન ગણ્યું છે. શ્રી વલ્લભનો મહિમા ગાતા ગાતા હવે શ્રી હરિરાયજી ભગવદીયનું મહિમા મંડન શરૂ કરે છે. આપણા આંગણે પ્રભુ પધારે તો આપણે જે રીતે ભાવ વિભોર થઈને સ્વાગત કરીએ તેવી જ રીતે ભગવદીય પધારે ત્યારે ઉરના ઉમંગથી આવકારવા જોઈએ. અત્યંત વૈભવી આવકાર આપવો જરાય જરૂરી નથી. અંતરના ઓવારણામાં ઐશ્વર્યનું આવરણ આવવું ન જોઈએ. શ્રી હરિરાયજી સ્વાગતની સાદી વિધિ બતાવતાં કહે છે કે જ્યારે પણ વૈષ્ણવ આપણું આંગણું પાવન કરવા પધારે ત્યારે તેમનું ચાર રત્નથી સ્વાગત કરવું. પ્રથમ તો આસન આપવું. આજે તો આપણે સોફા સેટ કે ખુરશી તૈયાર જ હોય છે પણ પહેલાં એવું ન હતું. આજે પણ ગામડામાં ખાટલો ઢાળી તેના ઉપર સુંદર રજાઈ પાથરી મહેમાનને બેસાડવાનો રીવાજ સચવાઈ રહ્યો છે. પ્રાચીન યુગમાં તો દુર્વા જેવા ઘાસનું આસન બનાવવામાં આવતું હતું. આપણા ઘરે ભગવદીય પધારે તો આપણે યોગ્ય આસન આપવું જોઈએ. ઘરના મુખ્ય સ્થાનમાં આગંતુકનું માન સચવાય તેવા આસન પર તેમને બેસાડવા જોઈએ. બહારથી આવનાર વ્યક્તિને શીતલ પેય જલ આપીએ એટલે તેમનો અર્ધો થાક દુર થઇ જાય. વૈષ્ણવનું સ્વાગત પ્રસાદી જલથી જ કરાય.

અતિથી આવીને બેસે, પાણી પીએ પછી જ તેમની સાથે મીઠાશથી વાત કરી તેમના પધારવાનું પ્રયોજન પુછાય. આ વાતચીતમાં મનની મીઠાશ વાણી-વર્તનમાં સ્પષ્ટપણે ઝળકવી જોઈએ. જો આપણા મનમાં વૈષ્ણવ પ્રત્યે સાચો ભાવ હશે તો સ્વાભાવિકપણે ભગવદીયનું સ્વાગત સુંદર થશે જ.

ચોથી વાત બહુ સરસ રીતે કહી છે. યજમાને પોતાની શક્તિ મુજબ ભક્તિ કરવી જોઈએ. આર્થિક અનુકુળતા મુજબ અને ઘરમાં સગવડતા હોય તે મુજબ મહેમાનને મહાપ્રસાદ લેવડાવવો જોઈએ. યથા શક્તિ કહીને શ્રી હરિરાયજી વૈષ્ણવની આર્થિક શક્તિની વાત તો કરે જ  છે અન્ય અનુકુળતાઓની વાત પણ આવી જાય છે. આવી વહેવારિક વાતથી અકિંચન અથવા અસમર્થ વૈષ્ણવને હૈયાધારણ મળે છે કે તેણે ગજા ઉપરવટ જઈ કોઈ કાર્ય કરવાનું જરૂરી નથી.

આ ચતુર્વિધ સ્વાગત પ્રણાલીને આપશ્રી ચાર રત્ન કહે છે. જો આટલું પણ આપણે કરી શકીએ તો તે રત્ન સમાન છે. વિશેષ ખેંચાઈને કરવાનું નથી.  શરૂઆતમાં કહયું તેમ હરિ ગુરુની સાથે જ વૈષ્ણવનું  સ્થાન છે જ પણ બીજી રીતે વિચારીએ તો તેમના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજીનું  જ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ.  વૈદિક પ્રણાલીમાં પણ अतिथि देवो भव: સૂત્ર મુજબ અતિથિનું સુયોગ્ય સ્વાગત એ ભારતિય પ્રણાલી તો છે જ ને!
આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત
શ્રી વલ્લભ સાખી … (૪૪-૪૭)

ભાગ – [૭]


vallabh sakhi


મીન રહત જલ આસરે, નીકસત હી મર જાય |
ત્યોં શ્રી વીઠ્ઠલનાથ કે, ચરણકમળ ચિત્ત લાય ||૪૪||

માછલી અને અન્ય જળચરોના જીવનનો આધાર પાણી જ છે. પાણીથી દુર થતાં જ  તેઓ થોડી ક્ષણોમાં પ્રાણ ત્યાગી દે છે. આપણે જાણીએ છીએ કે દરેક પ્રાણીને પોતાનો જીવ બહુ જ વહાલો હોય છે. પોતાનો જીવ બચાવવા તે મોટામાં મોટા કે ભયંકર પ્રાણી સાથે પણ લડી લે છે અને પોતાના વશમાં હોય તે બધું જ કરી છૂટે છે. આમ છતાં માછલી પાણી ન હોય તો થોડી ક્ષણોમાં પોતાના પ્રાણ ત્યાગી દે છે. આપણે પણ શ્રી ગુસાંઈજીના ચરણકમળમાં  એવી પ્રીતિ, એવો નેહ, એવી આસક્તિ કેળવવી જોઈએ કે તેમનાથી દુર થતાં જ વિરહથી આપણાં પ્રાણ નીકળી જાય. આવી તીવ્રતા ન હોય તો તે એક ઉણપ છે અને આપણા ઉપર હજુ પૂર્ણ કૃપા થઇ નથી એમ માનવું. સાચા દિલથી આતુરતા પૂર્વક પ્રાર્થના કરવી કે પ્રભુ કૃપા કરીને એવી મનોસ્થિતિ આપે.

શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ, છા રહ્યો જગ માંહી |
પુરુષોત્તમ ફળ દેત હૈ, નેક જો બેઠો છાંહી ||૪૫||

કલ્પ વૃક્ષનો સ્વભાવ છે કે તેની છાયામાં રહેલા સૌની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. સામાન્ય કલ્પવૃક્ષની મર્યાદા છે કે તે ભૌતિક સુખ સમૃદ્ધિ આપી શકે છે. તેની છાયામાં રહેલા સૌને ધન ધાન્ય કે સોનું ચાંદી આપી શકે, લૌકિક ઈચ્છાઓ પૂરી કરી શકે. શ્રી હરિરાયજી શ્રી વલ્લભરૂપી એક વિશિષ્ટ અને અલૌકિક કલ્પવૃક્ષનો પરિચય કરાવે છે. આપ કહે છે કે શ્રી વલ્લભની કૃપાની છાયા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. જે શ્રધ્ધાવાન મન સ્થિર કરીને આપની છાંવમાં રહેશે એટલે કે આશ્રય લેશે તેને સાક્ષાત શ્રી પુરુષોત્તમ પ્રભુનું જ દાન દે છે. આથી જ શ્રી ગુસાંઈજી સર્વોત્તમ સ્તોત્રમાં (શ્લોક ૧૧) આપને અદેય દાન દક્ષશ્ચકહે છે. બીજા કોઇથી પણ ન આપી શકાય કે બીજા કોઈ કદી આપે નહીં તેવું દાન આપવામાં શ્રી વલ્લભ માહેર છે. આ દાન જો મળી જાય, વિશ્વ નિયંતા જ પ્રાપ્ત થઇ જાય  પછી શું મેળવવાનું બાકી રહે? પ્રભુની નિત્ય લીલામાં સ્થાન મળે, અન્ય સખા-સખીનો સાથ પણ મળે, સદા નૌતન સદા યુવા દેહ મળે અને લીલામાં રમણ કરવા મળે તેથી વિશેષ એક પુષ્ટિ ભક્તના મનોરથ શું હોય?

ચતુરાઈ સોઈ ભલી જો, કૃષ્ણ કથા રસ લીન |
પરધન પરમન હરન કો, કહીએ વહી પ્રવીન ||૪૬||

શ્રી હરિરાયજી અહીં ચતુરાઈનો પરિચય, ચતુરાઈની વ્યાખ્યા આપે છે. આપણે જાણીએ છીએ કે,  સામાન્ય રીતે ચતુરાઈ એટલે  એવી આવડત કે જેના થકી વ્યક્તિ પોતાનું હિત સાધી શકે અને ક્યારેક (ક્યારેક જ?) અન્યનું અહિત પણ કરી શકે. ચતુરાઈ એ પ્રભુ એ આપેલી એવી ભેટ છે જેના સદુપયોગથી વ્યક્તિ અનેકનું ભલું કરી શકે, મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકે, તકલીફો નિવારી શકે. સ્વાર્થ અને પરમાર્થ બંને સાધી શકે.  સાધન તો એક જ હોય પણ તેનો ઉપયોગ કરનાર ઉપર ઘણો આધાર રહે છે. ખૂની જે  છરાથી ખૂન કરે એ જ છરાથી સર્જન (ડોકટર) જીવન બચાવતા હોય છે. તેવી જ રીતે ઈશ્વરદત્ત બુદ્ધિનો ઉપયોગ  કોઈની સંપતિ પડાવી લેવામાં કે કોઈનું મન ભરમાવીને તેને અયોગ્ય પ્રવૃત્તિઓ પ્રત્યે વાળવામાં કરીએ તો તે ઉપયોગ નહીં દુરુપયોગ છે, વિકૃતિ છે. સાચો ચતુર એ જ કે જે પોતાનું સાચું હિત શેમાં છે તે જાણે અને તે મુજબ વર્તે. ઝાડની જે ડાળી ઉપર બેઠા હોય તેને જ કાપનારાને બીજું ગમે તે કહીએ પણ ચતુર તો ન જ કહી શકાય. જીવનું આ ભવમાં  અને આવતા ભવમાં હિત શેમાં છે તે વિચારીએ તો કહી શકાય કે જે ચતુરાઈ વ્યક્તિને પોતાને અને અન્યને પણ પ્રભુ પ્રત્યે વાળે, કૃષ્ણની લીલા સાંભળવામાં કે તેના અવગાહનમાં જોડે, તેમાં તેનું ચિત્ત ચોંટાડે, તેમાં લીન કરી દે એ જ સાચી અને પાવનકારી ચતુરાઈ ગણાય.

ચતુરાઈમાં અમુક અંશે વિવેક બુદ્ધિ, નિરક્ષીરનું જ્ઞાન, સારાસારની સમજ પણ સામેલ હોય છે. તેથી જીવ માટે ખરેખર સારું શું, પોતાના લાભની વાત કઈ, શ્રેય અને પ્રેયનો ભેદ શું તે સમજી જાય તે ખરી ચતુરાઈ. કૃષ્ણ કથામાં રસ પડી જાય, પરિણામે સંસારની મોહ માયા અને મમતા છૂટી જાય તો તે જ સાચું હિત છે. આમ થાય તો આ ભવ તો ઠીક આવતા અનેક  ભવ પણ સુધરી જાય, પ્રભુના પ્રેમની પ્રાપ્તિ થઇ જાય, પ્રભુની કૃપા થાય તો નિત્ય લીલામાં સ્થાન પાકું થઇ જાય.  આવી જ ચતુરાઈ સારી, લાભદાયી અને હિતકારી ગણાય અને પોતાની ચતુરાઈનો આવો ઉપયોગ કરે તે જ સાચો પ્રવિણ, ચતુર, હોશિયાર ગણાય.

ચતુરાઈ ચુલ્હે પરો, જ્ઞાની કો યમ ખાઉ |
દયાભાવ હરિભક્તિ બિન, જ્ઞાન પરો જરી જાઓ ||૪૭||

અગાઉ (સાખી ૩૭) પણ શ્રી હરિરાયજીએ આ જ વાત કરી છે. ઉપર ચતુરાઈની વ્યાખ્યા કરી તેમાં કોઈને નુકશાન કરે તેવી, કોઈનું અહિત કરે તેવી ચતુરાઈને અવાંછનીય ગણાવી છે. આવી ચતુરાઈ માટે આપશ્રી આજ્ઞા કરે છે કે આવી ચતુરાઈ ચૂલામાં બળી જવી જોઈએ. તેનું અંશમાત્ર પણ અસ્તિત્વ રહેશે તો હાનીકારક છે, બાધક છે. સ્વહિતમાં અને  જગત હિતમાં તેને નેસ્તનાબુદ કરી દેવી જોઈએ. આવી ચતુરાઈ ધરાવનારા ભલે પોતાની જાતને જ્ઞાની સમજે, ભલે પોતાની હોશીયારીનો (કે લુચ્ચાઈનો) અહંકાર કરે  પણ આવાજ્ઞાનીનું મૃત્યુ જગત માટે તો ખરું જ, તેમના પોતાના ઉધ્ધાર માટે પણ ઇચ્છનીય છે.

જ્ઞાન માર્ગમાં જાણે અજાણે શુષ્કતા આવી જાય છે. જ્ઞાનથી પ્રભુનું સ્વરૂપ સમજાય છે, માનવ મનમાં માધવની મહત્તા, મહાનતા અને માહાત્મ્યનું મંડન થાય છે. જીવને પોતે તદ્દન પામર, તુચ્છ, નગણ્ય હોવાની ભાવના થાય છે. તુમ સ્વામી મૈં સેવકની મનોદશા અનભવાય છે. જ્ઞાનની એક સ્થિતિ એવી પણ આવી શકે છે જેમાં સર્વ કાંઇ પ્રભુની સૃષ્ટિ સમજી ભક્ત અલિપ્ત થઇ જાય અને તેનામાં દયા, માયા, પ્રેમ, સહાનુભુતિ જેવી કોમળ લાગણીઓનો દુકાળ સર્જાય છે.

વ્રજવાસીઓએ પ્રભુને પરમ વિશિષ્ટ રીતે ભજ્યા હતા. તેમના મનોવિશ્વમાં તો પ્રભુ પુત્રવત્, મિત્રવત્ કે પ્રિયતમવત્ બિરાજતા હતા. હરિની ભક્તિ તેમના રોમ રોમમાં રમતી હતી અને તેમના શ્વાસની શરણાઈમાં બજતી હતી. તેઓ તો હરિથી જ હરિયાળા હતાં. જીવ માત્ર માટે દયા, જીવ માત્ર માટે પ્રેમ, દુન્યવી સ્વાર્થ અને લુચ્ચાઈનો ત્યાગ, ભોળું સરલ મન જેવા ઉમદા ગુણોથી જ પ્રભુ તેમને વશ થયા હતા, જ્ઞાનથી નહીં.

જ્ઞાનથી શુષ્કતા આવે તે પણ એક વિડંબના છે. જ્ઞાનથી તો પ્રભુનો અને તેમની સૃષ્ટિનો, તેમની કૃપાનો, તેમની કરૂણાનો પરિચય થાય. આમ જો થાય તો પ્રભુમાં પ્રેમનો આવિર્ભાવ થવો જોઈએ. મન એકદમ કૃતજ્ઞ અને કૃતકૃત્યતાના ભાવથી સભર થઇ જવું જોઈએ. વૃક્ષ ઉપર ફળો આવે તો તે વધુ ઝુકે છે તેમ જ્ઞાનના ભારથી વ્યક્તિમાં નમ્રતા આવવી જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો હેતુ જ મનના અભિમાન, ગર્વ કે મદ જેવા અનેક નકારાત્મક ભાવોનો નાશ થાય તે હોય છે.  જો તેમ ન થાય તો વ્યક્તિનું અત્યંત અહિત થાય છે. માત્ર આધ્યાત્મિક જ નહીં લૌકિક પણ બગડે છે. આથી જ શ્રી હરિરાયજી એવું ઈચ્છે છે કે આવું જ્ઞાન પણ બળીને નષ્ટ થઇ જવું જોઈએ.

આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત
શ્રી વલ્લભ સાખી … ‘(૪૦-૪૩)

ભાગ – [૬]


vallabh sakhi

 
દેખી દેહ સુરંગ યહ, મતિ લડાવે લાડ |
ગણિકા કી સી મિત્રતા, અંત હોગી ભાડ ||૪૦||


        અહીં પણ કાયાની વાત છે. સુ-રંગ અર્થાત રંગદાર, ભભકાદાર, દેખાવડું એવા આ દેહના મોહમાં જે કોઈ ફસાયું છે તેની અવનતિ  જ થઇ છે. પોતાના કે અન્યના દેહની સુંદરતા માત્ર ઉપરછલ્લી જ છે. આવા આ માત્ર બાહ્ય રીતે સુંદર અને આકર્ષક દેહનું બહુ લાલન પાલન કરવાનો કોઈ અર્થ નથી કારણ કે જીવન ક્ષણ ભંગુર છે ક્યારે શ્વાસની શરણાઈ શાંત થઇ જશે તે ખબર નથી તેને સજાવવામાં કપડાં-ઘરેણાં કે ટાપટીપ પાછળ માનવ જીવનની, પુષ્ટિ સેવાની અમુલ્ય ક્ષણો બરબાદ ન કરીએ.  જેટલી પણ ક્ષણો મળે તે સર્વ  કાયાના કલ્યાણમાં, પ્રભુની સેવામાં  અને કોઈને ઉપયોગી થવામાં સદુપયોગ કરી સાર્થક કરીએ. લાડ લડાવવા જ હોય તો યશોદાના લાલાને લડાવીએ. દેહનો સાથ શાશ્વત નથી. તેના પાયામાં ગણિકા જેવી સ્વાર્થી ભાવનાઓ રહેલી  છે. આ દેહ અંતે તો આગમાં જ જલી રાખ થવાનો છે. પોતાના દેહને પણ સ્વર્ગે લઇ જવાનો ત્રિશંકુનો અભરખો પૂરો થયો ન હતો તે યાદ રાખીએ. બીજી રીતે વિચારીએ તો દેહ તો આત્મ કલ્યાણનું ઉત્તમ સાધન બની શકે તેમ છે તેનો તેવો જ ઉપયોગ કરીએ પ્રભુના સ્નેહના પીયૂષનું  મન ભરીને પાન કરી લઈએ. ફરી આવો અવસર ક્યાંથી મળશે? દેહની માયા અને તેની અહંતા-મમતાના ચક્કરમાં ફસાઈએ નહીં.  પોતાના  દેહની માયા રાખવાનું પણ વ્યર્થ હોય  તો પછી અન્ય (પતિ/પત્ની, માવતર, બાળકો….)ના દેહની માયા કેમ રખાય? જડભરતની કથા યાદ રાખીને માયા, મમતાના મોહપાશમાંથી બચીએ.

દેહ દેખ સુરંગ યહ, મત ભૂલે તૂં ગંવાર |
હાડ માંસકી કોટડી, ભીતર ભરી ભંગાર ||૪૧||


આપણો સુરંગ (રૂડો રૂપાળો) દેહ ખરેખર તો એક છેતરામણી સુરંગ (ટનલ/બોગદું) જ છે. જો તેમાં અટવાઈ ગયા તો જરૂર પંથ ભૂલેલા પથિક બની જવાના. આ ભયંકર ભોંયરૂં તો ભવ્ય ભુલભુલામણી છે. તેમાં ભલભલા  ઋષિ મુની, સંતો, મહંતો અને સિદ્ધ પુરુષો ભૂલા પડી ભવાટવીમાં ભટકી ગયા છે. ઉપર ઉપરથી આકર્ષક અને લોભામણા આ માનવ દેહની સુંદરતા ચામડીથી જ છે. એટલે જ કહયું છે કે‘Bodily beauty is only skin deep’. ચમકતી ચામડીનું આવરણ હટાવીએ એટલે પછી અંદર તો રક્ત, માંસ, હાડકાં, અને કચરરૂપી  ગંદકી જ ભરેલી છે. એ ભંગાર ઉપર રૂપાળું આવરણ મઢેલું છે.  આજે જેમ બજારમાં કચરો માલ પણ આકર્ષક બાહ્ય પેકિંગના બળે ચાલી જાય છે તેવું જ આપણા શારીરિક સૌન્દર્યનું છે. આ વાત સતત યાદ રાખવી જોઈએ. જે કોઈ તેને ભૂલવાની ભૂલ કરે તેને ગંવાર અર્થાત બુધ્ધુ, અક્કલનો ઓથમીર જ કહેવો પડે. આપણી સરકાર પદ્મશ્રી, પદ્મ ભૂષણ જેવા પદ્મપુરસ્કારો આપે છે. તેવી જ રીતે આવી ભૂલ કરનારને માટે આધ્યાત્મિક ક્ષેત્રે મુર્ખશ્રી, મુર્ખભૂષણ, મુર્ખવિભૂષણ જેવા પુરસ્કારો અપાવા જોઈએ!
આવી કોઈ વ્યવસ્થા ક્યારેય પણ થાય તો આ લેખકનું  નામ તેમાં બહુ આગળ હશે. તમારૂં ?


મહામાન મદ ચાતુરી, ગરવાઇ ઔર નેહ |
યહ પાંચો જબ જાયેંગે, તબ માનો સુખ દેહ ||૪૨||


આ પહેલાંની ચાર સાખીમાં દોજખના દ્વારે દોરનારા દુશ્મન દેહના દીવાનાપણાથી બચવા સલાહ આપી.  હવે, શ્રીહરિરાયજી  આ સાખીમાં માનવીના ઉત્કર્ષમાં અવરોધરૂપ પાંચ સનાતન ભય સ્થાનોની વાત કરે છે. આપણાં સઘળાં શાસ્ત્રોમાં સર્વત્ર આ પાંચ દુર્ગુણોથી બચવાની વાત કહેવામાં આવી છે. સત્ય તો એ છે કે  આ કાયમી દુશ્મનોથી બચવાની સલાહ તો જગતના બધા જ ધર્મ શાસ્ત્રોમાં અપાઈ છે. એ અર્થમાં આ સનાતન શત્રુઓ છે.


અભિમાન અને પોતાની શક્તિનો મદ એ બે શબ્દોથી તુરત જ લંકાપતિ રાવણ યાદ આવી જાય. તે મહાન શિવ ભક્ત હતો, શાસ્ત્રોનો જ્ઞાતા હતો, મહાપ્રતાપી રાજા હતો, તેણે કુદરતી શક્તિઓને વૈજ્ઞાનિક યુક્તિઓથી પોતાની સેવામાં જોડી હતી પણ  અભિમાન અને મદના કારણે તેણે પોતાનો જીવ ખોયો એટલું જ નહીં તેના પ્રતાપી પુત્ર ઇન્દ્રદમન અને બળવાન ભાઈ કુંભકરણ સહીત અનેક યોધ્ધાઓ પણ મૃત્યુને ભેટ્યા. સોનાની લંકા વિનાશના આરે પહોંચી ગઈ. આ બે દુર્ગુણોએ તો અનેકના પતન કર્યાં છે. આજના યુગમાં યાદ કરીએ તો હિટલર અને હજુ હમણાં સદ્દામ હુસેનના દાખલા હાજર જ છે. કહે છે કે જ્યારે હાથી મદમાં હોય ત્યારે ભયંકર રીતે જોખમી બની જાય છે. તેવી જ રીતે પોતાની શક્તિઓના મદમાં મસ્ત માણસ લાખો શું કરોડોનો સંહાર નોતરે છે. તેથી પણ વિશેષ, સ્વયં પતનની ગર્તામાં ધકેલાઈ જાય છે.


અહીં ચાતુરીનો અર્થ લુચ્ચાઈ છે. શિયાળ જેવી ચાતુરીની વાત છે. મહાભારતમાં કદાચ સૌથી વધુ ચતુરપાત્ર મામા શકુનિનું છે. બુદ્ધિ અને તર્કશક્તિ હોય પણ વિવેકનો અભાવ હોય તો તે ઘાતક બને છે અને અન્યનું તો જે થાય તે પણ તેવી શક્તિઓધારણ કરનારનું તો જરૂર અહિત કરે છે. આવા લોકો પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને અન્યને છેતરવા કે હેરાન કરવાને પોતાની હોશિયારી સમજે છે. આ ગેરસમજ જ તેમને  અભિમાન, મદ અને ગર્વના દુષણો સુધી દોરી જાય છે. એટલે ખરેખર તો આ ચતુરાઈ તેમની પોતાની જ દુશ્મન બની જાય છે અને પ્રભુ-પ્રેમની પ્રાપ્તિ કે પુણ્ય કમાવાના શ્રેયના રસ્તે આગળ વધવા નથી દેતી. શ્રેય અને પ્રેયના  દ્વંદમાં યોગ્ય કે શ્રેયસ્કર માર્ગે પ્રગતિ નથી થઇ શકતી.


નેહ અર્થાત સ્નેહ, પ્રેમ, મોહ, મમતા. ભૌતિક પદાર્થો  કે સાંસારિક લોકોમાં કે પછી સ્વમાં પણ સ્નેહ કરવો અર્થાત નાશવંત, ક્ષણભંગુર, ક્ષુલ્લકને ગળે લગાડવું. સોનું છોડી કથીર ગાંઠે બાંધવું.  પરમ સુંદર શ્રી કૃષ્ણ પ્રભુમાં સ્નેહ કરીએ તો પરમ પદાર્થ પામીએ. એક ચિત્તથી સેવા કરીએ, લોક-વેદની મર્યાદાઓને ભૂલીને એક માત્ર પ્રભુને  અંતરના અતલ ઊંડાણથી સ્નેહ કરીએ, ગોપીજનોની કક્ષાએ ન પહોંચીએ તો પણ ૮૪-૨૫૨ વૈષ્ણવોએ કરેલા અસીમ પ્રેમના સીમાડે પણ પહોંચી શકીએ  તો જરૂર પ્રભુની પ્રીતિ પ્રાપ્ત થાય. આચાર્યશ્રીએ તો કહયું છે કે ચિત્ત પરોવીને તનુ-વિત્તજા સેવા કરીશું તો માનસી સેવાનું પરમ ફળ પ્રાપ્ત થશે.


આપણે બડભાગી છીએ કે પુષ્ટિમાં વરણ થયું છે, શ્રી વલ્લભે શરણે લીધા છે એટલે આવો, આપણે આપણા માર્ગના સિદ્ધાંતોના સંદર્ભે આ વાત વિચારીએ. આપણે ત્યાં દીનતાનો અત્યંત મહિમા છે. બીજી રીતે જોઈએ તો આપણો પ્રેમનો માર્ગ છે તેમાં પ્રેમ, સ્નેહ, દુલાર, સમર્પણ જ આવે. પેલા કવિએ કહયું છે તેમ પ્રેમની ગલી અત્યંત સાંકડી હોય છે તેમાં અભિમાન, મદ, ચતુરાઈને માટે જગ્યા જ ક્યાં રહે છે? આપણે સતત પ્રભુની પ્રસન્નતાનુંસ્વામીના સુખનું, વહાલાની વહાલપનું ચિંતન કરવાનું છે, એ જ ભાવનાથી સેવામાં મન પરોવવાનું છે. શ્રી કૃષ્ણાશ્રય અને શ્રી વિવેક ધૈર્યાશ્રય જેવા ગ્રંથોમાં અપાયેલી શ્રી આચાર્યજીની આજ્ઞાને સમજીને જીવનમાં ઉતારીએ તો પછી આ પાંચ તો શું કોઈ પણ અનિષ્ટ આપણા પ્રિતમ અને આપણી વચ્ચે અવરોધ કરી નહીં શકે.

ભવસાગર કે તરન કી, બડી અટપટી ચાલ |
શ્રીવિઠ્ઠલેશ પ્રતાપ બલ, ઉતરત હૈં તત્કાલ ||૪૩||


       સંસાર સમુદ્રમાં ડૂબકાં ખાતાં જીવો માટે સૌથી ગહન, સૌથી અઘરો સવાલ એક જ છે કે તેમાંથી પાર કેમ ઉતરવું? દેવી દેવતાઓ અને ઋષિ મુનીઓ પણ પ્રભુની માયાનો તાગ પામી શક્યા નથી. કંઈ કેટલાયે ઉપાયો, કંઈ કેટલાય પુણ્યકર્મો, યજ્ઞો, યાત્રાઓદાન તો ઠીક કંઈ કેટલાયે જન્મો પછી પણ ભવાટવીના ચક્કરમાંથી મુક્ત થઇ શકાતું નથી. તેનો પાર પામવાના ઉપાયો અત્યંત કઠીન, અત્યંત અઘરા છે. પાર પામવાનું તો ઠીક, આ ઉપાયો  સમજવાનું પણ મુશ્કેલ છે. તેને સમજવા જતાં ભલભલા જ્ઞાનીઓ ગોથાં ખાઈ જાય છે. અહીં ૧+૧ હંમેશા  ૨ નથી થતા પ્રભુ કૃપા કરે તો ૧૧ પણ થાય અને નહીંતર શૂન્ય થઈને પણ ઉભા રહે. દરિયાને પાર જવું હોય તો મજબૂત જહાજ (સ્ટીમર) જોઈએ એટલું જ નહીં સારા  સુકાની (કેપ્ટન) જોઈએ. ભવસાગર તરવા આપણને શ્રી વલ્લભની કૃપાથી પુનિત પુષ્ટિ જહાજમાં સ્થાન તો મળી ગયું છે અને આ જહાજના સમર્થ સુકાની શ્રી વિઠ્ઠલેશના પ્રતાપબળે વિના વિલંબ આપણે પાર ઉતરવાના જ છીએ તેમ અહીં શ્રીહરિરાયજી કહે છે. આપણે આ બાબત નિશ્ચિંત થઇ જવું જોઈએ કારણ કે ગીતાજીમાં જ પ્રભુની આજ્ઞા છે કે,સંશયાત્માનો વિનાશ થાય છે. આપણા ભક્ત કવિ શ્રી દયારામભાઈ પણ એજ કહે છે કે નિશ્ચેના મહેલમાં વસે મારો વહાલમો”.  શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે પરિસ્થિતિ ભલેને ગમે તેવી વિકટ હોય પ્રભુની નિકટ જઈએ (કે સતત રહીએ) તો આપણને બાધક નહીં થઇ શકે. તેવી જ રીતે જો શ્રી વિવેક ધૈર્યાશ્રાયનું અનુસરણ કરીએ તો પણ આપણાં મનમાં શ્રધ્ધા અને નિશ્ચયની ભાવના દ્રઢ થઇ શકશે. આવી દ્રઢતા જ પુષ્ટિ પથે આપણાં કદમ લડખડાતાં અટકાવશે. આવી દ્રઢતાના સહારે જ આપણે શ્રી ચતુ:શ્ર્લોકીમાં પ્રબોધાયેલા વૈષ્ણવના ચાર પુરુષાર્થનું યોગ્ય રીતે પાલન કરી શકીએ.અંતતોગત્વા, આપણા વિવેક અને  ધૈર્ય, આપણો આશ્રય, આપણો ઉધ્ધાર, સર્વ શ્રી વલ્લભ અને આપના અશેષ મહાત્મ્યના ધારક વલ્લભ વંશની કૃપાના આશ્રિત છે.


આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

ક્રમશ:

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત
શ્રી વલ્લભ સાખી … (૩૪-૩૯)

ભાગ – [૫]


vallabh sakhi

 
પૂરણ બ્રહ્મ પ્રકટ ભયે, શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ |
નીજ્જન પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદ નેહ ||૩૪||

શ્રી લક્ષ્મણ ભટ્ટના વંશમાં થયેલા સો સો સોમ યજ્ઞના ફળરૂપે સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમે વલ્લભ રૂપે તેમના ઘરે અવતાર લીધો છે. સ.સ્તો. ના ૧૦ મા શ્લોકમાં ‘વિભુ: અને૧૨ મા શ્લોકમાં ‘સદ્રૂપ: એવાં નામ બિરાજે છે. જે શ્રી વલ્લભનું સ્વરૂપ ઉજાગર કરે છે. ‘વિભુ: એટલે વ્યાપક બનવાની શક્તિ, વિવિધ રૂપ ધારણ કરી શકે તે અથવા વિશિષ્ટ શક્તિઓ ધરાવનાર, તે વૈકુંઠવાસી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું એક નામ પણ છે. એટલે જ ભક્તો ગાય છે કેહરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?”

સદ્રૂપ: નો એક અર્થ સત્ય સ્વરૂપ થાય છે તો વળી અમુક વિદ્વાનો સચ્ચીદાનંદ સ્વરૂપ એવો અર્થ પણ કરે છે. આવા આપણાં શ્રી વલ્લભ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપ છે અને દૈવી જીવોના ઉધ્ધાર માટે સદા સર્વદા પ્રયત્નશીલ રહે છે.

આચાર્યજીની કૃપાથી જ આપના ભક્તો ઉપર વ્રજાધિપતીના ચરણ કમળમાં પ્રેમ-ભાવનાનો ધોધમાર વરસાદ વરસે છે જેથી ભક્તો પ્રભુ પ્રેમમાં તરબતર બની જાય છે. આથી જ શ્રી ગુંસાઈજીએ સ. સ્તો. માં ચાર સુંદર નામો પ્રગટ કર્યા છે. તે પૈકી આ સાખીમાં છે તે જ વાત કહેતું ૧૪ મા શ્લોકનું નામ છે કૃપાદ્રગ્વૃષ્ટિ સંહૃષ્ટદાસદાસી પ્રિય: જેનો અર્થ થાય છે કે શ્રી વલ્લભની દયામય દ્રષ્ટિની અમૃતમય વર્ષાથી પ્રસન્ન થયેલા આપણી જેવા દાસદાસીઓને આપ અત્યંત પ્રિય છે. તે ઉપરાંત સ.સ્તો.ના ૧૦ મા શ્લોકમાં અંગી કૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ: એવું નામ કહેવાયું છે અર્થાત શ્રી વલ્લભ માનવ જીવને અંગીકાર કરીને તેને શ્રીકૃષ્ણને પ્રિય બનાવે છે. એક વાર આપણે પ્રભુને પ્રિય થઈએ કે આપણાં અંતરમાં પ્રભુ માટે ખરી પ્રીત પ્રગટે પછી બીજું શું જોઈએ? સ.સ્તો.ના ૧૧મા શ્લોકમાં અદેયદાન દક્ષસ્ચ: નામથી શ્રી ગુંસાઈજી આપણને શ્રી વલ્લભના એક મહા ઉદાર ચરિત્રનું દર્શન કરાવડાવે છે. શ્રી વલ્લભ અદેય દાન દેવામાં દક્ષ એટલે કે ચતુર છે. અદેય દાન એટલે આપી ન શકાય તેવું દાન. પ્રભુ શ્રી કૃષ્ણ એવા અણમોલ નિધિ છે કે એમનું દાન અન્ય કોઈ આપી ન શકે. એવી જ રીતે પ્રેમલક્ષણા ભક્તિ કે ગોપીભાવનું દાન પણ ‘અદેયછે.તે આપવામાં શ્રી વલ્લભ દક્ષ અર્થાત ચતુર છે, માહેર છેઅંગ્રેજીમાં કહેવું હોય તોકહી શકાય કે dexterous છે. આવી ક્ષમતા કે મહારત (expertise) અન્ય કોઈમાં નથી. તેવી જ રીતે ૧૩મા શ્લોકમાં ‘કૃષ્ણ જ્ઞાનદ: દ્વારા એ વાત જણાવાઈ છે કે સ્વામિનીજી સહીત કૃષ્ણ પ્રભુનું જ્ઞાન દેનારા એક માત્ર શ્રી વલ્લભ જ છે. શ્રી વલ્લભે સુબોધિનીજી સહિત અનેક ગ્રંથોની રચના કરીને પ્રભુના સ્વરૂપ અને પ્રભુની લીલાનું જ્ઞાન દૈવી જીવોને આપ્યું છે. શ્રીકૃષ્ણના સ્વરૂપનું સાચું જ્ઞાન સૌને થતું નથી. તેમના સખા અર્જુનને પણ વિરાટ સ્વરૂપના દર્શન અને ૧૮-૧૮ અધ્યાયના ગીતા ગાન પછી જ તે જ્ઞાન મળ્યું હતું અંતે તેનો મોહ નાશ થયો હતો. ઉપર કહ્યા તે શ્રી વલ્લભના સર્વ નામોમાં આ સાખીના બીજા ચરણમાં છે તેવી જ વાત છે.

જાગત સોવત સ્વપ્ન મેં, ભોર ધ્યોસ નીસ સાંઝ |
શ્રી વલ્લભ વ્રજઈશ કે, ચરણ ધારો હિય માંઝ ||૩૫||

આવા પરબ્રહ્મ સ્વરૂપ શ્રી વલ્લભ વ્રજના ઈશ્વર છે. આપ શ્રી કૃષ્ણનું અન્ય રૂપ(alter ego) છે. આવા શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમળને સદા સર્વદા આપણે હૃદયમાં ધારણ કરવાં જોઈએ. સદા, સર્વદા, અહર્નિશ ધારણ કરવું જરૂરી છે તે વાત ભારપૂર્વક સમજાવવા માટે શ્રી હરિરાયજી કહે છે કે, જાગતા હોઈએ કે સુતા હોઈએ ત્યારે તો ખરૂં જ પણ સ્વપ્નમાં પણ એનું વિસ્મરણ ન થવું જોઈએ. કોઈ કહે કે ઊંઘમાં ગરકાવ થયા પછી કે સ્વપ્ન ઉપર તો આપણો કોઈ અખત્યાર હોતો નથી તો પછી અહીં તેવી વાત કેમ કરી છે? તેનો ખુલાસો એમ હોઈ શકે કે જો જાગૃત અવસ્થામાં આપણે સતત શ્રીવલ્લભમય હોઈએ, પ્રભુની લીલામાં જ મન રમમાણ હોય તો સ્વાભાવિકપણે ઊંઘ અને સ્વપ્નમાં પણ તેઓ જ દર્શન આપવાના.

ભલે આપણી એ યોગ્યતા ન હોય કે આપણને એ અધિકાર પણ પ્રાપ્ત ન થયો હોય કે આપણને શ્રીવલ્લભના સાક્ષાત દર્શન થાય પણ આપણો તો કૃપા માર્ગ છે અને અહીં પ્રભુ કૃપાએ હીરલો લાધે જ છે. તેથી જ તેવો મનોરથ મનમાં જરૂર રહે છે કે ભલે એવી કૃપાના બળે પણ કમ સે કમ સ્વપ્નમાં શ્રી વલ્લભના ચરણારવિંદના દર્શન થાય. ભક્તેચ્છા પૂરક (સ.સ્તો. શ્લો.૨૭) શ્રી વલ્લભ જરૂર આપણો તે મનોરથ પણ સફળ કરશે.

હા હા માનોં કહત હૌં, કરી ગીરીધર સોં નેહ |
બહુરી ન એસી પાવહીં, ઉત્તમ માનુષ દેહ ||૩૬||

ઉત્તમ એવો માનવ દેહ પ્રાપ્ત થવો જ મુશ્કેલ છે. લાખો જન્મ પછી એક વાર પ્રભુકૃપાએ માનવ દેહ પ્રાપ્ત થાય છે. તેમાં પણ પુણ્યભુમી ભારત દેશમાં જન્મ પ્રાપ્ત થયો છે. આપણે નસીબદાર છીએ કે પ્રભુએ વરણ કર્યું તેથી આપણને શ્રી વલ્લભની કૃપાથી પરમ પાવન પુષ્ટિમાં સ્થાન મળ્યું છે. આવી તક લાખ-કરોડોમાં કોઈકને જ અને ક્યારેક જ મળતી હોય છે તેને આપણે વેડફી ન દઈએ તે બહુ મહત્વનું છે. તેવો સુયોગ ફરી મળે પણ અને ન પણ મળે. આ જન્મમાં જ શ્રી ગોવર્ધનધારી સાથે પ્રેમ કરી લઈએ. સામે પ્રભુનો પ્રેમ પણ મળી જાય તો તો બેડો પાર. હું તો કહું છું આપણે એવો પ્રેમ કરીએ કે પ્રભુ પણ આપણને પ્રેમ કરવા, અપનાવવા, કૃતાર્થ કરવા બાધ્ય બની જાય. આપણે જાણીએ જ છીએ કે વલ્લભનો અર્થ જ અત્યંત પ્રિય એવો થાય છે. આપણા આ શ્રી વલ્લભ પ્રિયા-પ્રિતમને તો વહાલા છે જ ભક્તોને પણ અત્યંત વહાલા છે. બંને બાજુના સ્નેહના સુભગ સમન્વયથી સ્નેહ-ત્રિવેણીમાં સ્નાનના સદભાગી બનીએ તો આપણો જન્મ સફળ.

ચતુરાઈ ચૂલ્હે પરો, જ્ઞાનીકો યમ ખાઉ |
જા તનસોં સેવા નહીં, સો જડમૂળ સોં જાઉં ||૩૭||

૩૬મી સાખીમાં શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી કે માનવ દેહ મળ્યો છે તો પ્રભુ પ્રેમનો પ્યાલો પી લેવો. ત્યારે કોઈ જ્ઞાન માર્ગી કહેશે કે ના, જેટલું મળે તેટલું જ્ઞાન અર્જિત કરી લો, બ્રહ્મને ઓળખી લો તો જ જન્મ સફળ થાય. આવા શુષ્ક જ્ઞાનીને ઉગ્રતાથી જવાબ આપતાં આપ કહે છે કે આવી મિથ્યા ચતુરાઈને ચૂલામાં નાખીને નેસ્ત નાબુદ કરી દો. જેથી ફરી ભક્તિ માર્ગમાં બાધારૂપ ન બને. યજ્ઞ યાગાદી, હોમ હવન જેવી પ્રેમ વગરની ક્રિયાઓ ઘી વગરના લુખા ભોજન સમાન છે. આવી વાતથી ભ્રમિત કરનાર કહેવાતા જ્ઞાનીનું મૃત્યુ થઇ જાય (યમ ખાઈ જાય) તેમાં જ આપણી ભલાઈ છે. ગોપીઓના ભોળપણ થકી જ પ્રભુ વશ થયા હતા. એટલું જ નહીં એ જ પ્રેમાળ ભોળપણે જ્ઞાની ઉધ્ધવજીને પ્રેમ લક્ષણા ભક્તિના પ્રથમ પાઠ શીખવ્યા હતા.

માનવ દેહ મળ્યો, વલ્લભનું શરણ પણ મળ્યું છતાં તેનો સેવામાં વિનિયોગ ન થઇ શકે તો તે પ્રાપ્તિનો કોઈ જ અર્થ નથી. ભલે આ દેહ મૂળ સહીત નષ્ટ થઇ જાય. જે દેહ પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા મારો જન્મ સફળ ન કરે તેનું શું કામ છે? શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી ચતુશ્લોકી, શ્રી ભક્તિવર્ધીની, તેમજ શ્રી સિધ્ધાંત મુક્તાવલી સહીત અનેક ગ્રંથોમાં સ્પષ્ટ આદેશ કર્યો છે કે વૈષ્ણવનું એક માત્ર કર્તવ્ય, એક માત્ર પુરુષાર્થ પ્રભુ સેવા છે. તેમાં જ ચિત્તને પરોવવું તેના દ્વારા જ પરમ ફળરૂપ માનસી સેવા સિદ્ધ થશે.

દેખી દેહ સુરંગ યહ, મતી ભૂલે મન માંહિ |
શ્રી વલ્લભ બિનુ ઔર કોઈ તેરો સંગી નાહીં ||૩૮||

પ્રભુ કૃપાએ આપણને આ રૂડો રૂપાળો દેહ મળ્યો છે. તેના સૌન્દર્યમાં મોહિત થઇ દેહાધ્યાસથી ગ્રસિત ન થઇ જઈએ. સાબરના શીંગ સુંદર અને આકર્ષક હોય છે, હાથીના દંતશુળમાંથી સુંદર વસ્તુઓ બને છે, વાઘનું ચામડું મુલાયમ અને ચમકતું હોય છે. દેહનું સૌન્દર્ય તો નાશવંત છે. તે આપણને પતન તરફ લઇ જનારું પણ છે. ઘણી વાર તે સૌન્દર્ય જ મૃત્યુનું કારક બને છે. એ સતત યાદ રાખવું જરૂરી છે કે જીવનસાથી નામ પ્રમાણે જીવન સુધી જ સાથ આપશે, અન્ય સ્નેહી મિત્રો પણ ક્યારે છોડી જશે તેની ખબર નથી. આમ પણ દુન્યવી સંબંધોનું આયુષ્ય આ દેહના સ્મશાન ગમન સુધી જ સીમિત રહેલું છે.

આ વાત યાદ કરાવતાં શ્રી હરિરાયજી કહે છે છે કે આ દેહના આંધળા મોહમાં એ વાત ન ભૂલાય કે આ સંસારમાં માત્ર એક શ્રી વલ્લભ જ આપણા સાચા સંગી, સાચા ઉધ્ધારક છે. જેમનું સ્મરણ કરવાથી જ સર્વ લૌકિક-અલૌકીક આર્તિનો નાશ થઇ જાય છે (સ.સ્તો. શ્લો.૭) લૌકિક આર્તિ કષ્ટદાયક હોય છે જ્યારે અલૌકિક આર્તિ પ્રભુના વિરહને કારણે થતી હોઇ અંતત: પરમ સુખકારી હોય છે. શ્રી વલ્લભ જ આપણને હાથ પકડી પ્રભુની કુંજ નિકુંજમાં લઇ જવાના છે, નિત્યલીલામાં પણ આપણો સાથ નિભાવવાના છે એટલે સાચા સાથી, સાચા રાહબર, સાચા સારથી છે. એમના સિવાય આપણો સાથ કોઈ નિભાવશે નહીં, કોઈનું તેવું સામર્થ્ય પણ નથી. આ સત્ય સમજીને વલ્લભનું ચરણ મક્કમતાથી ગ્રહી રાખીએ.

તેરી સાથિન દેહ નહીં, યાકે રંગ મત ભૂલ |
અંત તૂહીં પછતાયાગો, તૂરત મિલેગી ધૂલ ||૩૯||

કાયાની માયાની નિરર્થકતાની જ વાત આગળ ચલાવતાં આ સાખીમાં કહેવાયું છે કે દેહનો સાથ કાયમી નથી, તે દગો દેશે તે વાત અવશ્યંભાવિ છે એટલું જ નહીં તે ક્ષણભંગુર હોઈ ક્યારે સાથ છોડી દેશે તે પણ નક્કી નથી. લીધેલો શ્વાસ પાછો છોડી શકાશે કે નહીં તેનો ભરોસો નથી. તેના બેરંગ રંગ ભૂલવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. મહાભારતમાં યક્ષના પ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠીરે કહયું હતું તેમ આ દુનિયાનું સૌથી મોટું અચરજ એ છે કે માનવ પોતાની આસપાસ દરરોજ અન્ય માનવોને મરતાં જોતો હોવા છતાં પોતે ક્યારેય મરવાનો ન હોય તેવું જ વર્તન કરે છે. આપણને ચેતવતા શ્રી હરિરાયજી કહે છે કે જો આવી ભૂલ કરશો તો અંતે તો પસ્તાવાનો જ વારો આવવાનો છે અને આ દેહ અને સાથે સાથે મનના મનસુબા, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ગૌરવ અને અભિમાન બધું જ ધૂળમાં મળવાના છે. માટેવિવેકાનંદજીના શબ્દો ચોરીને કહી શકાય કે જાગો, ઉઠો અને પ્રભુ કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવિરત પ્રયત્નો કરતા રહો


આજે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.

ક્રમશ:


આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૨૬-૩૩) … (ઉત્તરાધ)
ભાગ – [૪]

vallabh sakhi


પુષ્ટિ માર્ગમાં પ્રેમ લક્ષણા ભક્તિનો હરિયાળો બાગ શ્રી વલ્લભની કૃપાથી વિલસે, વિકસે, ફળે ફૂલે એ જ તો ‘સત્સંગનો પરમ ઉદ્દેશ છે. આવો, છવીસમી સાખીનું અવગાહન કરીએ.

જગમેં મિલન અનૂપ હૈ, ભગવદીયન કો સંગ |
તિનકે સંગ પ્રતાપતેં, હોત શ્યામ સોં સંગ ||૨૬||

જગતમાં સાચા ભગવદીયોનો સત્સંગ મળવાનું અત્યંત દુર્લભ છે. તેના ઘણાં કારણ છે. એક તો આ કઠીન કાળમાં પ્રભુના કૃપાપાત્ર સાચા તાદ્રશી વૈષ્ણવો જ જૂજ હોય છે. જેઓ છે તેઓ પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખે છે તો વળી ઘણા સાચો ભાવ પ્રગટ ન થઇ જાય તે હેતુથી વિપરીત બાહ્યાચાર રાખે છે. તેથી ઉલટું ઘણા દંભી લોકો સ્વપ્રસિધ્ધી હેતુ કે અન્ય લૌકિક હેતુ સિદ્ધ કરવા ભગવદીય હોવાનો ડોળ કરતા હોય છે. ભૂલથી પણ તેવાનો સંગ થઇ જાય તો આપણું અહિત થવાનું નક્કી છે. જો આપણે જાગૃત ન રહીએ તો સત્સંગને બદલે કુસંગ મળી જાયલેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમવાળો ઘાટ થાય. એટલે ભગવદીયનો સંગ જોઈ પારખીને કરવો. સાચા ભગવદીયનો ઘડીકનો સંગ પણ પ્રિયનું મિલન કરાવે છે. ધ્રુવજીએ બાળ વયમાં પ્રભુ પ્રાપ્ત કર્યા તે નારદજીના સત્સંગનો જ પ્રતાપ હતો ને?

હરિજન આવે બારને, હંસી હંસી નાવેં શીશ |
ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ ||૨૭||

પ્રભુના પ્યારાનું માન-સન્માન હંમેશા જાળવવું જોઈએ. તેઓ જ્યારે આપણાં ઘરે પધારે ત્યારે પ્રસન્નતાથી સ્વાગત કરવું જોઈએ. તેમના આગમનના કારણે જ તેમના હૃદયમાં બિરાજતા પ્રભુ આપણે ત્યાં પધાર્યા હોઈ તેમને પ્રણામ કરવા જોઈએ. પ્રથમ શિક્ષાપત્રના ૧૮મા શ્લોકમાં કહ્યું છે કે તદીયમાં સ્વકીય (પોતાપણાંનો) ભાવ રાખવો, અન્યમાં ભેદબુધ્ધિ રાખવી. આવો, શ્રી હરિરાયજી સાથે આપણે પણ ગાઈએહોં વારી ઇન વલ્લભિયન પર, મેરે તનકો કરોં બીછોના, શીશ ધરોં ઇનકે ચરનન તર.

ઉપર કહ્યું તેમ ભગવદીય પોતાનું સાચું સ્વરૂપ ગુપ્ત રાખતા હોય છે, વિપરીત બાહ્યાચારથી લોકોને દુર રાખવાની કોશિશ પણ કરતા હોય છે. આથી મારે જગ કાજી (judgmental)બની તેમના આચાર વિચારનું વિશ્લેષણ કરી દોષના ભાગી બનવાની જરૂરત નથી. તેઓના ભગવદ્ પ્રેમ અને પ્રભુમાં તેમની ભાવનાને કારણે મારા માટે તો તેઓ સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે. હરિ-ગુરૂ-વૈષ્ણવ એક જ સ્વરૂપ છે તેમાં ભેદ દ્રષ્ટિ બાધક છે.

હરિ બડે, હરિજન બડે, બડે હૈં હરિ કે દાસ |
હરિજન સોં હરિ પાવહીં, જો હૈ ઇનકેં પાસ ||૨૮||

પ્રથમ શિક્ષાપત્રના ૧૯મા શ્લોકમાં આજ્ઞા છે કે તદિયમાં (પ્રભુ/આચાર્યજીમાં છે) એવો જ ભાવ રાખવો. હરિ, ગુરુ, વૈષ્ણવમાં ભેદદ્રષ્ટિ ઘાતક છે. એવી માનસિકતા આપણી પુષ્ટિ પંથે પ્રગતિમાં પ્રચંડ પ્રતિબંધ કરે છે. અહીં કહેવાયું છે કે પ્રભુ તો મહાન છે જ પણ હરિજન અને હરિના દાસ પણ મહાન છે. ખરેખર તો જો આ સાખીની રચનાનો ઝીણવટથી અભ્યાસ કરીએ તો એવું લાગે છે કે જાણે શ્રી હરિરાયજી એવું કહેવા માગે છે કે હરિ તો મોટા છે જ પણ હરિજન અને હરિના દાસ તેમનાથી પણ મોટા છે. આમ જોઈએ તો વાત સાચી પણ છે કારણ કે સમગ્ર બ્રહ્માંડ જે પ્રભુના ઇશારે નાચે છે તેમને છાલિયા જેટલી છાસ માટે પણ ગોપી પોતાના નેહના બળે નચાવી શકે છે.

દૈવી જીવને પ્રભુને પામવાની લાલસા હોય છે. ભગવદીયના માધ્યમથી સરળતાથી આપણને શ્રી હરિની પ્રાપ્તિ થઇ શકે છે કારણકે તેઓ આપણાં સારથી બની આપણને પ્રભુ પ્રાપ્તિ કરાવી દે છે. ત્રીજા શીક્ષાપત્રના ૯ મા શ્લોકમાં કહ્યું છે કે ભગવદીય શ્રી કૃષ્ણના ચરણોમાં અકારણ પ્રીતિનો બોધ કરાવે છે. તેવી જ રીતે ચોથા શીક્ષાપત્રના ૧૯ મા શ્લોકમાં કહ્યું છે કે આજના(અનવતાર) યુગમાં તાદ્રશીયનો સંગ જ ખરો ઉધ્ધારક ઉપાય છે. આમ હરિને પામવા ભગવદીયનું શરણ લેવું જોઈએ કારણ કે ભગવદીયનો સંગ પ્રભુ પ્રાપ્તિનો રાજમાર્ગ છે.

મન નગ તાકોં દીજિયે, જો પ્રેમ પારખી હોય |
નાતર રહિયે મૌન વ્હૈ, કાહે જીવન ખોય ||૨૯||

અજાણ્યાને આંખ પણ ન અપાય તો મન આપતાં પહેલાં બહુ જ વિચાર કરી લેવો જોઈએ. આપણે ભલે ભૂતલ ઉપર આવ્યા છીએ પણ પુષ્ટિ-પારસના સ્પર્શે અને મૂળ દૈવી જીવ હોઈને આપણું મન એક અણમોલ મણી સમાન છે. તે સમજ્યા વગર કોઈના હવાલે ન કરાય. અયોગ્ય વ્યક્તિને આપણા મનનો કબજો લેવા દઈએ તો મન પ્રદુષિત થઇ જાય અને અંતે તો આ દુર્લભ માનવ જન્મ વ્યર્થ જાય. આમ પણ વેદ વાક્ય છે કે મન જ સર્વ બંધન અને મુક્તિનું કારક છે. હીરાનું મૂલ્ય ઝવેરી જ સમજે તેવી રીતે જ આપણું મન માત્ર તેમાં રહેલા પ્રભુ-પ્રેમને પારખી શકે તેવાને જ સોંપાય. વાંદરાની ડોકે હીરો ન બંધાય!

કોઈ કહેશે કે એવા પારખી મનુષ્ય આજના યુગમાં ન મળે તો શું કરવું? આવા સંજોગોમાં મૌન એ જ પરમ ભૂષણ માની પોતાની ભાવનાઓનું મનમાં જ સંગોપન કરી સંરક્ષણ કરવું જોઈએ. વ્યર્થ વાતોમાં અણમોલ જીવન ગુમાવી ન દેવાય. આવી પરિસ્થિતિમાં માર્ગના ગ્રંથોનો સત્સંગ ઉત્તમ છે.

પ્રેમ પારખી જો મિલેં, તાકી કરી મનુહાર |
તીનસોં પ્રિયા પ્રીતમ મિલે, સબ સુખ દીજે વાર ||૩૦||

આવા પ્રેમ પારખી મળવા દુર્લભ છે પણ જો પ્રભુ કૃપાથી મળી જાય તો તેમને અત્યંત દીનતાથી વિનંતીઓ કરી ખુબ જ મનુહાર કરી જે ઉપાયે પ્રસન્ન થાય તે કરીને તેમને પ્રસન્ન કરવા. ૨૮ મી સાખીની વાતમાં આપણે જોયું તેમ પ્રેમના પારખી મરમી ભગવદીય આપણને પ્રભુ પ્રાપ્તિ કરાવી દે છે. તેમની મારફત આપણા પ્રભુ અને તેમના પ્રિયા એવા શ્રી સ્વામિનીજી મળશે. જો તે પ્રાપ્તિ થતી હોય તો અન્ય સૌ સુખ તેના પર વારી દેવા જોઈએ. અન્ય શબ્દોમાં પ્રિયા પ્રિતમની પ્રાપ્તિ એ જ આપણું સર્વોચ્ચ સુખ છે અને તે જ આપણું પરમ ધ્યેય હોવું જોઈએ.

રંચક દોષ ન દેખિયે, વે ગુણ પ્રેમ અમોલ |
પ્રેમ સુહાગી જો મિલે, તાસોં અંતર ખોલ ||૩૧||

ભગવદીયમાં ક્યારેય દોષ દ્રષ્ટિ ન રાખવી. તે પ્રભુ પ્રેમમાં તરબત્તર રહેતા હોઈ કદાચ ક્યારેક બાહ્યાચારમાં ત્રુટી જોવા મળતી હોય છે. ગુજરાતના પેલા વૈષ્ણવ વાઘાજી રાજપૂત અપરસ વગર તો ઠીક પણ મોજડી પહેરીને ઠાકોરજી સમક્ષ ઘી ધરાવવા પહોંચી ગયા હતા તે યાદ છે ને? પ્રભુમાં અનહદ પ્રેમ એ જ ભગવદીયનો સૌથી મોટો અને અમૂલ્ય ગુણ છે. જેમ સૂર્યના પ્રકાશમાં તારાઓ લૂપ્ત થઇ જાય છે તેમ આ એક ગુણ-માર્તંડ પાસે અન્ય નાના નાના દોષનું કોઈ જ મહત્વ નથી. જો, જ્યારે અને જ્યાં પણ આવા પ્રેમ સૌભાગ્યના અધિકારી મળી જાય તો ત્યાં તેમની પાસે આપણું અંતર ખુલ્લું મૂકી દેવું જોઈએ. આવા ભગવદીયો પાસે ભાવનાના પ્રવાહને મુક્તપણે વહેવા દેવો જોઈએ. બંને બાજુની ભાવના સરિતાના સુભગ સંગમથી આપણું જીવન ધન્ય બની જશે.

સાધના કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક |
પલક પલક કેં ઉપરેં, વારો કલ્પ અનેક ||૩૨||

ભક્ત ધ્રુવને છ માસની કઠણ સાધના પછી પ્રભુ કૃપાની પ્રાપ્તિ થઇ હતી. સાધના વગર સિદ્ધિ ક્યારેય કે કોઈને ય મળતી નથી. ફળની પ્રાપ્તિ માટે સાધના જરૂરી છે. જીવ દુર્બળ છે. તેના પ્રયત્નોનું જોર આવા ફળ માટે અપૂરતું જ રહેવાનું. કોઈ કહેશે, જો એમ જ હોય તો પ્રયત્નો કરવા જ શા માટે ?   ના, એ યોગ્ય વિચાર નથી. પ્રયત્નો આપણી આતુરતાના, આપણી તાલાવેલીના સંદેશવાહક છે. એનાથી પ્રભુ સુધી આપણી ઈચ્છા પહોંચે છે અને તેથી જ પ્રભુને કૃપા કરવાનું મન થાય છે. અહીં શ્રી હરિરાયજી કહે છે કે દ્રઢ આશ્રય એ જ સૌથી મોટી સાધના છે. દ્રઢ આશ્રય સાથે એક કુળને ભજતા રહીએ. કુળને શા માટે ભજવાનું?   આના માટે ભગવદીયો બે કારણ આપે છે. પ્રથમ તો સર્વોત્તમ સ્તોત્રના ૨૨મા શ્લોકમાં દર્શાવ્યું છે તેમ શ્રી આચાર્યજીએ દૈવી જીવોના હિતાર્થે પોતાનું સંપૂર્ણ (અશેષ) માહાત્મ્ય સ્વવંશમાં સ્થાપિત કર્યું છે. તેથી વલ્લભ કુળને ભજવામાં શ્રી વલ્લભની જ ભક્તિ છે. બીજું કારણ એ છે કે વલ્લભ સ્વયમ્ પોતાના વંશજોના હૃદયમાં બિરાજી વૈષ્ણવોની સેવા સ્વીકારે છે.

આ કુળ(અને તેના માધ્યમે શ્રી વલ્લભ)નું સ્થાન મારી પલકો પર છે. તેમના એક નિમેશના દર્શન-સુખ ઉપર તો અનેકાનેક કલ્પ ઓવારી દેવાય.

શ્રી વલ્લભ જીવન પ્રાણ હું, નયનન રાખો ઘેર |
પલકન કે પરદા કરોં, જાન ન દેહો ફેર ||૩૩||

શ્રી વલ્લભ વૈષ્ણવોના જીવન આધાર છે. શરીરમાં પ્રાણનું જે મહત્વ છે તેથી પણ અદકેરું મહત્વ આપણાં જીવનમાં શ્રી વલ્લભનું છે. આપની સન્મુખ થવાથી જ શ્રી કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. (સાનિધ્યમાત્રદત્ત શ્રીકૃષ્ણ પ્રેમ: સ.સ્તો. શ્લો. ૧૭)તેમને નયન માર્ગેથી હૃદયમાં સ્થાપિત કરવાનો અને કાયમ માટે ત્યાં જ સ્થાપિત કરી દેવાનો એક સરસ ઉપાય શ્રી હરિરાયજી બતાવે છે. આપ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભને દ્રષ્ટિના ઘેરામાં જ રાખો અર્થાત તેમના ઉપરથી નજર અન્યત્ર જવા ન દો. આપણાં દ્રઢ આશ્રયમાં અને આપણી અનન્યતામાં લેશ માત્ર શિથીલતા ન આવવી જોઈએ. એક વાર હૃદયમાં પ્રભુ બિરાજે પછી પાંપણનો પડદો પાડી આપના બહાર જવાની શક્યતા જ મિટાવી દો. પલક મુંદવાથી એક બીજો પણ ફાયદો થશે. આપણી નજર આમતેમ ભટકતી બંધ થશે અને ચિત્ત પ્રભુમાં જ રમમાણ રહેશે.

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.
 
મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૧૬-૨૫)  (ઉત્તરાધ)
ભાગ – [૩]

vallabh sakhi


 ગતાંકમાં આપણે છ થી ૧૫  સાખીનું રસપાન કર્યું. હવે વલ્લભ ભક્તિ ઉદધીમાં આપણી નાવ આગળ ચલાવીએ.

શ્રી હરિ ગુરુ વૈષ્ણવની કૃપાના બળે આપણે શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભસાખીનું રસપાન કરી રહ્યા છીએ. આપણા માર્ગમાં સર્વ ઉપલબ્ધીનો એક માત્ર ઉપાય કૃપા જ છે, જીવના પ્રયત્નથી કશું જ થઇ શકતું નથી.


યશ હી ફેલ્યો જગતમેં, અધમ ઉદ્ધારન આય |
તીનકી બિનતી કરત હોં, ચરણ ચિત્ત લાય ||૧૬||


અધમોના ઉધ્ધાર માટે જ ભૂતલ ઉપર આપનો અવતાર થયો છે. શ્રી ઠાકોરજીના સંગી સાથી કે ખિલૌના જેવા દૈવી જીવો લીલામાંથી એક યા બીજા કારણે પૃથ્વી ઉપર આવેલા આ દૈવી જીવો મુખ્ય ધારાથી વિખુટા ન પડી જાય તે અર્થે શ્રી વલ્લભે શ્રમ લીધો છે. તે હેતુથી જ આપે પોતાના સુકોમળ ચરણોથી ત્રણ ત્રણ વખત પૃથ્વી પરિક્રમા કરી છે. અધમના ઉધ્ધાર કરનારા તરીકેનો આપનો યશ જગતમાં પ્રસરેલો છે. આવા શ્રી વલ્લભના ચરણ કમળનું હૃદયમાં ધ્યાન ધરીને ચિત્તમાં આપનું નામ સ્મરીને શ્રી હરિરાયજી પ્રાર્થના કરે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ પણ છે કે આપણા આ કૃપા માર્ગમાં જીવ માટે પ્રાર્થના જ અધિકાર અને પ્રાર્થના જ કર્તવ્ય છે.


પતિતનમેં વિખ્યાત હોં, મહા પતિત કો ધામ |
અબ યાચક હોય જાંચ હોં, શરણાગતિ સબ યામ ||૧૭||


આપણા માર્ગમાં દૈન્યનું અત્યંત મહત્વ છે. લૌકીકમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે નમ્યો તે સૌને ગમ્યો’. શ્રી હરિરાયજી દીનતાની ભાવનાથી (અને ખરેખર તો કલિયુગી પામર જીવો વતી) પોતાને પતિતોમાં પ્રખ્યાત ગણાવે છે. શ્રી હરિરાયજી દીનતાથી કહે છે કે હું અત્યંત પતિત છું એટલું જ નહીઁ પતિતોમાં પણ ખ્યાતિ પ્રાપ્ત મહાપતિત છું. પાતક અને મહા પાતકના નિવાસ સ્થાનરૂપ આ જીવ હારી થાકી ને હવે યાચના કરે છે, તે સિવાય બીજું કાંઈ તો કરી શકે તેમ નથી તેથીયાચના કરે છે. પાત્રતા તો નથી જ પણ શરણાગતિ તો સાધન સાધ્ય નહીઁ કૃપા સાધ્ય છે. શરણાગતિને પણ સ્વીકૃતિનું અવલંબન હોય છે. આથી જ શ્રી હરિરાયજી આઠે પ્રહરની, અહર્નિશ, રાત-દિનની શરણાગતિની યાચના કરે છે. જો પ્રભુ કૃપા કરે તો જ સાચી શરણ ભાવના જાગૃત થાય.


શ્રી વલ્લભ વિઠ્ઠલનાથ જૂ, સુમૈર એક ઘડી |
તાકે પાતક યોં જરે, જયોં અગ્નીમેં લકડી ||૧૮||


શ્રી વલ્લભ સાક્ષાત આધીદૈવિક અગ્નિ સ્વરૂપ છે. ૭મા શ્લોકમાં કહ્યું છે કે, આપ કૃષ્ણાસ્યમ;’ અર્થાત શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે. વેદમાં નિરૂપણ છે કે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું મુખ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. શ્રી ગીતાજીમાં પણ આપે કહ્યું છે કે હું વૈશ્વાનર છુંતેથી તેમના અવતાર એવા શ્રી આચાર્યજી પણ અગ્નિસ્વરૂપ જ થયા. અગ્નીકુમાર શ્રી ગુસાંઇજીનું સ્વરૂપ પણ આપથી ભિન્ન નથી. આ વાત શ્રી વલ્લભે જ દામોદરદાસ હરસાનીજીને કહી છે.


અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. ભૌતિક અગ્નિ જેમ લાકડાને બાળે છે તેમ આ બંને સ્વરૂપોનું એક વારનું પણ સ્મરણ જીવના બધા પાપો બાળી નાખે છે. આપણા સંચિત કર્મો જ પાતક રૂપે આપણા શત્રુ બની ભગવત્ પ્રાપ્તિમાં, મુક્તિમાં બાધારૂપ થતા હોય છે. આથી જ ૧૪મા શ્લોકમાં રોષદ્ર્ક્પાતસંપ્લુષ્ટભક્તદ્વિટ (ભક્તોના દ્વેષી શત્રુઓને રોષવાળી દ્રષ્ટિથી ભસ્મ કરનાર) અને ૧૭મા શ્લોકમાં ‘વિમુક્તિ દ: એવાં નામ બિરાજમાન છે.


કર્મોના બંધન બળી જાય એટલે કે તેનો કાયમી નાશ થઇ જાય. આવું થાય એટલે આપણે આપણાં સંચિત કર્મો અને તેના બંધનની ચિંતામાંથી મુક્ત. આપણી સ્લેટ સાવ કોરી. તેમાં જે નવા મંગલ અક્ષરો પાડવા હોય તે આપણાં હાથમાં. આમ આ બે સ્વરૂપોના સ્વરૂપોના સ્મરણથી આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ તો પછી આપણો બેડો પાર!


ધરણી અતિ વ્યાકૂલ ભઈ, વિધિ સોં કરી પુકાર |
શ્રી વલ્લભ અવતાર લે, તાર્યો સબ સંસાર ||૧૯||


જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનો ભાર વધ્યો છે, સત્પુરુષોનું જીવન દોહ્યલું બન્યું છે ત્યારે ત્યારે પ્રભુએ અંશાવતાર કે પૂર્ણાવતાર લઇ સંકટ દૂર કર્યું છે. પ્રભુનો આ ક્રમ છે અને તે જ વાત આપે ગીતાજીમાં અભય વચનરૂપે દોહરાવી છે. આચાર્યજીએ દૈવી જીવોના ઉધ્ધાર માટે જીવનભર પ્રયત્નો કર્યા છે એટલું જ નહીઁ, પ્રભુની આજ્ઞા છતાં ભૂતલનો ત્યાગ કરવાનું બે વખત મુલતવી રાખ્યું છે. આપના પ્રાદુર્ભાવથી દૈવી જીવોનો ઉધ્ધાર તો થયો જ પણ દૈવી અને પુનિત પરિબળો પુષ્ટ થયા છે અને અનિષ્ટનો પ્રભાવ ઘટ્યો છે તે રીતે સમગ્ર સંસારને તાર્યો છે.


શ્રીવલ્લભ રાજકુમાર બિનુ, મિથ્યા સબ સંસાર |
ચઢી કાગદ કી નાવ પર, કહો કો ઉતર્યો પાર ||૨૦||


ભૂવિ ભક્તિ પ્રચારૈકકૃત્તે સાન્વયકૃત્( પૃથ્વી પર ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાના વંશને ચલાવનાર) અને ‘સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહ્ત્મ્ય: ૨૨મા શ્લોકમાં આ બે નામોથી શ્રી ગુંસાઈજીએ એક રહસ્ય આપણી સમક્ષ ખોલ્યું છે. શ્રી વલ્લાભની લગ્ન કરવાની ઈચ્છા જ ન હતી. પણ પંઢરપુરના શ્રી વિઠ્ઠલનાથજીની આપના પુત્ર રૂપે જન્મ લેવાની ઈચ્છા હોવાથી આપને લગ્ન કરવાની આજ્ઞા કરી તેથી અને માયાવાદને નિરસ્ત કરી ભક્તિ માર્ગના સંવર્ધન કરવાના આપના અવતાર કાર્યને આગળ વધારવા જ આપે વંશ ચલાવ્યો છે. એટલું જ નહીઁ, આપે પોતાના વંશમાં આપનું સંપૂર્ણ(અશેષ) માહાત્મ્ય સ્થાપ્યું છે. આ કારણે જ શ્રી હરિરાયજી અહીં કહે છે કે આ સંસારમાં શ્રી ગુંસાઈજી સિવાય બધું જ નિરર્થક અથવા નકામું છે.


શ્રી વલ્લભ અને તેમના રાજકુમાર આ ભવસાગર તરવા માટે અત્યંત ઉપયુક્ત દિવ્ય જહાજ સમાન છે. અન્ય સાધનો પાણીમાં પલળી જાતે જ ડૂબી જાય તેવી કાગળની હોડી જેવા છે. જે ખુદ ડૂબતા હોય તે અન્યને ક્યાંથી તારે? આપણે અન્ય દેવી-દેવતાઆચાર્યો કે પંથો નો આશ્રય કરવાની ભૂલ કરીશું તો આ ભવસાગરમાં ડૂબી જવાના એ નક્કી વાત છે.


કલયુગ ને સબ ધર્મકે, દ્વાર જુ રોકે આય |
શ્રીવલ્લભ ખિડકી પ્રેમકી, નિકાસ જાય સો જાય ||૨૧||


શ્રીમદ્ ભાગવત માહ્ત્મ્યના પ્રથમ અધ્યાયમાં ભક્તિ અને નારદ સંવાદમાં કહેવાયું છે કે કળીયુગના આગમનથી કથા, તીર્થ, તપ, ધ્યાન, યોગ વગેરે સત્વહીન થઇ ગયાં છે. માનવ યોનીમાં મળેલો જન્મ સાર્થક કરવાનો કોઈ ઉપાય હાથવગો રહ્યો નથી. આમ ધર્મના સર્વ ઉપાયો અને માર્ગો બંધ થઇ ગયા છે તે જ અધ્યાયમાં વાત છે કે કળીયુગના પ્રભાવથી જ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ અને અશક્ત થઇ ગયા છે અને તેમની માતા ભક્તિ યુવાન થઇ ગઈ છે.


આપણાં શ્રી વલ્લભે શ્રી કૃષ્ણાશ્રાય ગ્રંથમાં કહ્યું છે તેમ કળીયુગમાં ધર્મના દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર એ સર્વ અંગ દુષિત થઇ ગયાં છે અને તેથી આપણા માટે શ્રી કૃષ્ણનો આશ્રય એજ એક માત્ર તરણોપાય રહી ગયો છે. આથી અહીં શ્રી હરિરાયજી કહે છે કે જ્યારે બધા જ રસ્તા બંધ થઇ ગયા ત્યારે શ્રી વલ્લભે પ્રેમલક્ષણા ભક્તિનો રાજમાર્ગ બતાવી દૈવી જીવોનો ઉદ્ધાર સુનિશ્ચિત કર્યો છે.


આ કારણે જ ૨૪મા શ્લોકમાં શ્રી ગુસાંઇજી કહે છે કે આપણા શ્રી આચાર્યજી ઉપાસનાના અન્ય માર્ગોમાં મુગ્ધ થયેલાઓના ભ્રમનું નિરસન કરી તેમને ભક્તિમાર્ગની વિલક્ષણતાનો અનુભવ કરાવનાર છે અને તેથી જ ભક્તિમાર્ગરૂપી કમળ માટે સૂર્ય સમાન (ભક્તિ માર્ગાબ્જ માર્તન્ડ: શ્લોક.૯) છે.


ભગવદ્ ભગવદી એક હૈ, તિનસોં રાખો નેહ |
ભવસાગર કે તરન કી, નીકી નૌકા યેહ ||૨૨||


આપણા માર્ગમાં શ્રી હરિ-ગુરૂ-વૈષ્ણવનું સમાન મહત્વ છે. આથી જ આ સાખીમાં ભગવદીયનો મહિમા દર્શાવ્યો છે. ભાગવતના નવમા સ્કંધમાં અંબરીષ રાજાનું ચરિત્ર છે. તેમાં ભગવાને કહ્યું છે કે, ‘મારા ભક્તો મારા હૃદયરૂપ છે. તે જ પ્રસંગના અંતે દુર્વાસા ઋષિ કહે છે કેભક્તો ન કરી શકે એવું કોઈ કાર્ય નથી. ૮૪-૨૫૨ ભક્તોના અનેક પ્રસંગોમાં ભગવદીયના સાચા સ્વરૂપની મહત્તા વર્ણવી છે. શ્રી હરિરાયજીના પ્રથમ શિક્ષાપત્રના ૧૮મા શ્લોકમાં કહ્યું છે કે ભગવદીયને પોતાના સમજવા. ૧૯મા શ્લોકમાં એવું કહ્યું કે શ્રી આચાર્યજી કરતાં પણ વિશેષ ભાવ ભગવદીયમાં રાખવો. આગળ ૨૧મા શ્લોકમાં તો એવું કહ્યું કે, ‘ભગવદીય સ્વત: પ્રસન્ન થાય ત્યારે પ્રભુ પ્રસન્ન થયા ગણાય.


એટલે જ અહીં કહ્યું છે કે ભગવાન અને ભગવદીયમાં ભેદ ન જાણવો અને બંનેમાં (સમાન) પ્રેમ રાખવો. જો બંનેની કૃપા થશે તો ભવસાગર પાર ઉતરાશે.


શ્રીવલ્લભ કલ્પદ્રુમ ફળ્યો, ફળ લાગ્યો વિઠ્ઠલેશ |
શાખા સબ બાલક ભયે, તાકોં પાર ન પાવત શેષ ||૨૩||


આપણાં પુરાણોમાં કલ્પવૃક્ષનો ઉલ્લેખ છે. આ વૃક્ષ સઘળા મનોરથ પરિપૂર્ણ કરે છે. લૌકિક કે અલૌકિક જે ઈચ્છીએ તે તરત મળી જાય છે. મળે તો બધું જ પણ માંગનાર પોતાની કક્ષા પ્રમાણે માગે. ક્ષુલ્લક પદાર્થોની એષણા કરીએ તો આવું અદભૂત વરદાન વેડફી દીધું કહેવાય. શ્રી વલ્લભ અને તેમનો વંશ આ ભૂતલ ઉપર દૈવી જીવોના હિતાર્થે પ્રગટ થયેલા કલ્પવૃક્ષ સમાન છે. શ્રીવલ્લભાષ્ટકના બીજા શ્લોકમાં શ્રી ગુંસાઈજી કહે છે તેમ શ્રી વલ્લભનું પ્રાગટ્ય ન થયું હોત તો દૈવી જીવો પણ માયાવાદ આદિ ખોટા માર્ગે વળી જાત અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરી શકત નહીઁ. આમ દૈવી જીવોના પ્રભુ પ્રાપ્તિના મનોરથ પૂર્ણ કરનાર આ કલ્પવૃક્ષ એક મહા વરદાન છે. આપણે તેની પાસેથી પ્રેમલક્ષણા ભક્તિનું મહામુલું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ.


શ્રી વલ્લભ આવત મૈં સુને, કછુ નિયરે કછુ દૂર |
ઇન પલકન સોં મગ ઝાર હોં, વ્રજ ગલીયનકી ધૂર ||૨૪||


શ્રી વલ્લભના આગમનનો આસાર આવતાં જ મન આતુર થઇ જાય છે. અંતરમાં તો બિરાજે જ છે, મારું મન પણ આપની નિશ્રામાં જ છે આ સામીપ્ય છે પણ ભૌતિક રીતે મારા પ્રાણ આધાર દૂર છે. તેમની પધરામણીના શુભ સમાચાર આવતાં જ તેમના આગમનને વધાવવા અનેક ઉપાય સુઝે છે. મારા પ્રભુના પુષ્પ સા કોમળ ચરણો છે તેમને કષ્ટ ન થાય તે માટે તેમના માર્ગમાં હું મારી આંખની પાપણોંથી બુહારી કાઢું છું.


કૃપાસિંધુ જળ સીંચકે, રાખ્યો જીવન મૂલ |
સ્નેહ બિના મુરઝાત હૈં, પ્રેમ બાગ કે ફૂલ ||૨૫||


શ્રી ગુંસાઇજીએ ૧૪મા શ્લોકમાં ‘કૃપાદ્રગ્વૃષ્ટિ સંહૃષ્ટદાસદાસી પ્રિય: એવું શ્રી આચાર્યજીનું નામ કહ્યું છે કારણ કે આપ કમળ જેવા નેત્રોથી કૃપા રૂપી જળની વૃષ્ટિ કરી પોતાના ભક્તોને પ્રિય બન્યા છે. જેમ ભૌતિક જળ વગર જીવન સંભવે જ નહીઁ તેવી જ રીતે દૈવી જીવોનું જીવન પણ કૃપાના બળે જ ટકે છે. ભક્તિના અંકુરનું પોષણ કૃપા જળથી જ થાય છે. પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયેલી પ્રેમ લક્ષણા ભક્તિનો હરિયાળો બાગ સ્નેહ સિંચનના અભાવે ઉજ્જડ બની જાય છે. શ્રી વલ્લભની કૃપા રહે તો જ આ વૃંદાવન વિલસે છે.


આજના ‘સત્સંગના સમાપનમાં યાદ કરીએ :


મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરાવન, મારા તનના આંગણીયામાં તુલસીના વન” …

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.
મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૬-૧૫) … (ઉત્તરાધ)
ભાગ – [૨]

vallabh sakhi


 ગતાંકમાં આપણે પ્રથમ પાંચ સાખીનું રસપાન કર્યું. હવે વલ્લભ ભક્તિ ઉદધીમાં આપણી નાવ આગળ ચલાવીએ.

श्री वल्लभ नाम अगाध है, जहाँ तहां मत बोल |
जब हरिजन ग्राहक मिले, ता आगे तू खोल ||||

શ્રી વલ્લભ પ્રભુનું નામ એવું છે કે તેનો પાર પામી શકાય જ નહીં. સર્વોત્તમ સ્તોત્રના ૨૭, ૨૮ અને ૩૦મા શ્લોકમાં શ્રી વલ્લભના ત્રણ નામ બિરાજે છે. ‘સર્વાજ્ઞાતલીલ:,પર: અને ત્રીગુણાતિત: તેનો અર્થ સમજીએ તો, શ્રી ગુસાંઈજી પ્રકાશ પાડે છે કેશ્રી વલ્લભની લીલાઓ સર્વથી સમજાતી નથી, તેઓ સર્વથી ઉત્તમ (SUPREME) છે અને સત્વ, રાજ અને તમ એ ત્રણ ગુણોથી પર અથવા નિરાળા છે. તેવી જ રીતે ૨૩મા શ્લોકમાં નિગુઢ હૃદય:નામ દ્વારા જણાવાયું છે કે આપશ્રી અતિશય ગુઢ હૃદય વાળા છે. એવા શ્રી વલ્લભનું નામ અગાધ છે. આવા અણમોલ નિધિનું દાન સુપાત્રે જ કરાય, જ્યાં ત્યાં તેને વેડફી ન દેવાય. રાજહંસને જ સાચા મોતીનો ચારો અપાય, ઝવેરી જ હીરાનું મૂલ્ય સમજી શકે, તેમ દૈવી જીવો જ શ્રી વલ્લભના નામનો મહિમા જાણી શકે અને તેમને જ એનું મૂલ્ય સમજાય તેથી એવા તાદ્રશી જન મળે ત્યારે તેમની પાસે જ આ અણમોલ ખજાનો ખોલવો જોઈએ.

श्री वल्लभवर को छांडीके, और देवको ध्याय |
ता मुख पन्हैया कूटिये, जब लग कूटी जय ||||
श्री वल्लभ वल्लभ रटत हो, वल्लभ जीवन प्राण |
श्री वल्लभ कबहुँ न विसरी, हो मोहिं मात पिताकी आन ||||
मैं इन चरण न छांडी हों, श्री वल्लभवर व्रज इश |
जो लैं तन में श्वास है, तो लौं चरण धरो शीश ||||
बहुत दिन भटकत फिरयो, कछु न आयो साथ |
श्री वल्लभ सुमर्यो तबै, पर्यो पदारथ हाथ ||१० ||


આ ચાર સાખીમાં શ્રી હરિરાયજી અન્યાશ્રયથી બચવાની અને અનન્યાશ્રય કેળવવાની શીખ સરસ રીતે દર્શાવે છે. અન્યાશ્રયીનું મોઢું જૂતાંથી છુંદી નાખવાનું કહે છે. જૂતાંનો હાર પહેરાવવો કે તે મારવાનો અર્થ એ જ કે તેનું અપમાનકરવું, તેને બહિષ્કૃત કરવો/કરવી. આપણા જ નહીં સર્વ સમ્પ્રદાયમાં અન્યાશ્રયને અતિ બાધક ગણ્યો છે. આધુનિક માનસશાસ્ત્ર પણ આ વાતનું અનુમોદન કરે છે. સંકેન્દ્રિત (focused) પ્રયત્નો જ ઈચ્છિત ફળ આપી શકે છે. જમીનમાં ૧૦-૧૦ ફૂટના ૧૦ ખાડા કરીએ તો પાણી નહીં મળે તેને બદલે એક જ જગ્યાએ ૫૦ ફૂટનો કુવો ખોદવાથી નિર્મળ જળ પ્રાપ્ત થવાની વિશેષ શક્યતા રહેલી છે. શ્રી ગીતાજીમાં પણ પ્રભુએ આજ્ઞા કરી છે કે સર્વ ધર્મ ત્યજી માત્ર મારા શરણે આવો. એક શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય સર્વ સાધક છે તો અન્યાશ્રય અત્યંત બાધક છે. આપણી આધ્યાત્મિક યાત્રામાં શ્રી વલ્લભ નામના ધ્રુવ તારકનો આધાર, આશ્રય, સહારો ઈચ્છિત ધ્યેય સુધી જરૂર પહોંચાડશે.


પંચ મહાભૂતના આ શરીરમાં પ્રાણ વગર સઘળું નિરર્થક છે તેવી જ રીતે આપણા અસ્તિત્વનો આધાર માત્ર અને માત્ર શ્રી વલ્લભ જ છે. માબાપના સોગંદ લઈને શ્રી હરિરાયજી કહે છે કેશ્રી વલ્લભનું પરમ પાવક નામ હું પ્રાણાંતે પણ વિસારે પાડીશ નહીં, જ્યાં સુધી શ્વાસ ચાલતો રહેશે ત્યાં સુધી તેમનું નામ સ્મરતો રહીશ.


અનેક ઉપાય, અનેક પ્રયત્નો, અનેક ઉધામા કર્યા પછી પણ કાંઈ પ્રાપ્ત ન થયું હોય, નિષ્ફળતા, નિરાશા, હતાશા સિવાય કાંઈ લાધ્યું ન હોય. અખાએ ગાયું હતું તેમ પથ્થર એટલા દેવ પૂજ્યા હોય, જાત જાતના ટીલાં ટપકાં કર્યા હોય, અનેક યજ્ઞ યાગાદી કર્યા હોય, હોમ હવન કર્યા હોય પણ અંતે કાંઈ જ મળ્યું ન હોય. આવું બને કારણ કે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આચાર્યશ્રીએ કહ્યું છે તેમ કાળ, દેવો, સ્થળ, તીર્થ, દ્રવ્ય એ બધા જ કલિયુગના દોષથી દુષિત થઇ ગયા હોઈ ફળદાયક નથી રહ્યા. આ કળીયુગમાં શ્રી વલ્લભની કૃપા એક માત્ર સાધક છે. રામાવતારમાં મોટા મોટા પથ્થરો અને ખડકો પણ સમુદ્રના પાણીમાં ડૂબ્યા ન હતા કારણ કે તેના ઉપર રામ નામ અંકિત થયેલું હતું. તેવી જ રીતે શ્રી વલ્લભે પણ દૈવી જીવોના હિતાર્થે અવતાર લીધો છે તેથી તેમના નામમાં પણ અગાધ શક્તિ છે, આપે પ્રાકૃત ધર્મોનો અનાશ્રય કર્યો છે (પ્રાકૃતધર્માનાશ્રયમ્) અને આપનો પ્રતાપ અતિ ઉગ્ર છે (શ્લો.૧૫). આપ ઉપાસના વિગેરે માયાવાદી માર્ગોમાં મૂંઝાયેલા લોકોના મોહનો નાશ કરનારા છે (ઉપસનાદિમાર્ગાતિ મુગ્ધ મોહ નિવારક: શ્લો. ૨૪), કૃપાના ભંડાર/નિધીરૂપ (શ્લો. ૭), મહા કરુણાવાન (શ્લો.૧૦) છે. તેથી જ્યારે પણ ભક્ત વલ્લભના નામનું સ્મરણ, તે નામનો આશ્રય કરે છે ત્યારે અનાયાસ જ લૌકિક, અલૌકિક સર્વ કાર્ય સિદ્ધ થઇ જ આવે છે. વિશેષ પ્રયત્નો કરવાની કોઈ જરૂરત રહેતી જ નથી. શ્રી ચતુ:શ્લોકી ગ્રંથમાં નિરૂપાયેલા પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) શ્રી વલ્લભના આશ્રયથી જ સિદ્ધ થઇ જાય છે.


बहे जात भवसिंधुमें, दैवी सृष्टि अपार |
तिनको करन उद्धार प्रभु, प्रगटे परम उदार ||११||


પ્રભુની નિત્ય લીલાના સંગીઓ જ માનવ દેહ ધારણ કરી પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તેમાં કોઈ લીલામાં થયેલા અપરાધને કારણે તો કોઈ પ્રભુની ભૂતલ પરની લીલાની અનુકુળતા માટે અહિં આવ્યા છે. મૂલત: તે સૌ લીલા સાથે સંબંધિત દૈવી જીવો છે. આ દિવ્ય સૃષ્ટિ ભવસાગરમાં અટવાઈ ન જાય, પોતાના પ્રિયનું અનુસંધાન ગુમાવી ન બેસે, પ્રેયના મોહમાં શ્રેય ભૂલી ન જાય તે માટે રાહબર શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. આથી જ શ્રી ગુસાંઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભના દૈવોધાર પ્રયત્નાત્મા: (શ્લો.૧) અને સ્ત્રી શુદ્રાધ્યુતીક્ષમ: (શ્લો.૯) એવા ૨ નામ પ્રગટ કર્યા છે.


श्री वल्लभ करुना करी, कलीमें लियो अवतार |
महा पतित उद्धार के, कीनो यश विस्तार ||१२||


કલીયુગમાં પાખંડ અને પાપાચારનો પ્રભાવ રહે છે. રજોગુણ અને વિશેષ તો તમોગુણનું પ્રચલન રહે છે. આવા આ કાળમાં પ્રભુના પંથે પ્રવાસ અઘરો બની રહે છે. પ્રભુની કૃપા થાય તો જ કોઈ માર્ગદર્શક, કોઈ હાથ પકડનાર, કોઈ ઉધ્ધારક મળી આવે છે. આપણા શ્રી વલ્લભનું પ્રાગટ્ય પણ પતિતોના ઉદ્ધાર માટે, ભવાટવીમાં ભટકતા જીવોને યોગ્ય રાહ દેખાડવા માટે જ થયું છે. આથી જ ૨૭ મા શ્લોકમાં પતિત પાવન: એવું આપનું નામ બિરાજે છે. પતિતોના અને દૈવી જીવોના રાહબર એવા શ્રી વલ્લભનો યશ તેમના મહા કારુણિક (શ્લો.૧૦) સ્વભાવના કારણે ત્રિભુવનમાં વિસ્તર્યો છે.


श्री वल्लभ वल्लभ कहत हों, वल्लभ चितवन बेन |
श्री वल्लभ छांड और ही भजे, तो नहीं निरखो नैन ||१३||
पाठ भेद: (तो फूट जाओ दोउ नैन)


અહીં શ્રી હરિરાયજી ફરી દ્રઢ આશ્રયની અને અન્યાશ્રયના વિરોધની વાત કરે છે. મનથી શ્રી વલ્લભ નામનું અહર્નિશ સ્મરણ, એમનું જ રટણ, ચિત્તમાં એમનું જ સતત ચિંતન, વાણીથી સતત તેમનું જ યશોગાન એ જ પ્રત્યેક વૈષ્ણવનું કર્તવ્ય છે. આપની અનન્યતા અને દ્રઢતા એવી છે કે શ્રી વલ્લભને છોડી ભૂલથી પણ અન્યાશ્રય થઇ જાય તો તેની સજા રૂપે એવું માંગે છે કે મારી આંખો તેની જોવાની શક્તિ ભલે ગુમાવી દે(અથવા: બન્ને આંખો ભલે ફૂટી જાય). આવી અંધત્વની આકરી સજા માંગીને એ દર્શાવાયું છે કે અન્યાશ્રય કેવો ભયાવહ અને ઘાતક છે. શ્રી હરિરાયજી આપણને ચેતવે છે કે જોજો ભાઈ ગફલતમાં ન રહેશો, સતત જાગૃત્ત રહી મન અને વચનથી શ્રી વલ્લભમય રહેજો. અન્યાશ્રયના પરિણામો ૮૪-૨૫૨ના અનેક વૈષ્ણવોના મિષે આપણને જાણવા મળે છે. જો રંચક પણ માર્ગ ચૂકીને, રાજમાર્ગ ચાતરીને અવર માર્ગે પગલાં પાડીએ તો જગતના આ જંગલમાં ભટકી જશું અને પછી તો કોઈ આરો વારો નહીં રહે. આ જન્મ સફળ અને સાર્થક કરવાનો એક્સપ્રેસ હાઈ વે એટલે વલ્લભ અને તેનો ટોલ ટેક્સ એટલે તેમનું શરણ, સ્મરણ ચિંતન અને તેમનું જ ભજન. શ્રી વલ્લભે આપણા માટે જ અવતાર લીધો છે, આપણો ઉદ્ધાર થશે જ પણ આપણા પક્ષે અન્યાશ્રયથી ડરતા રહીને અનન્યાશ્રયયુક્ત ભક્તિ રાખવી જરૂરી છે. ગીતાજીમાં પણ પ્રભુએ કહ્યું છે કે સંશયાત્માનો વિનાશ થાય છે. આપણે પણ આપણા ગુરુ, પતિત પાવન એવા શ્રી વલ્લભની કૃપામાં, તેમના સામર્થ્યમાં, તેમના અવતાર હેતુમાં, તેમની કરૂણામાં અને તેના કારણે થનાર આપણા ઉદ્ધારમાં લેશ માત્ર પણ સંશય કરીએ તો આપણો [અર્થાત આપણા ભાવનો, આપણા ઉધ્ધારની શક્યતાનો, પ્રભુની પ્રાપ્તીનો] વિનાશ પણ અવશ્યંભાવિ છે.


શ્રી હરિરાયજીએ આંખો ફૂટવાની વાત કરી છે પણ ખરેખર તો આવા સમર્થ, આવા કારુણિક શ્રી વલ્લભને છોડનાર દ્રષ્ટિહીન જ હોય, ભૌતિક આંખો ભલે હાજર હોય સારૂં નરસું પારખવાની દ્રષ્ટિ, નીર-ક્ષીર ન્યાય કે શ્રેય-પ્રેયનો વિવેક ગુમાવી દીધેલા સૌ દ્રષ્ટિ હીન, છતી આંખે આંધળા જ છે. આવું બનવાનું કારણ પણ સર્વોત્તમ સ્તોત્રમાં (શ્લો.૨) જ દર્શાવ્યું છે. આ યુગ જ એવો છે કે દ્રષ્ટિ દુષિત થઇ જ જાય, કહેવાતા વિદ્વાનો પણ આ દિવ્ય સ્વરૂપનો મહિમા સમજી શકતા નથી.


धूर परो वा वदनमें, जाको चित्त नहीँ ठौर |
श्री वल्लभवर को विसारिके, नयनन निरखो और ||१४||


જેનું ચિત્ત અસ્થિર છે, મન ડામાડોળ છે, ઘડીમાં અહિં તો ઘડીમાં ત્યાં ફાંફા મારે છે તેની કોઈ ગતિ નથી. વલ્લભના શરણે પહોંચી ગયા પછી પણ, જીવનનું પરમ સુંદર લક્ષ્ય પ્રાપ્ત કરી લીધા પછી પણ, મન અશાંત છે, ચિત્તમાં વિહ્વળતા છે, ચકળવકળ આંખો ચારે બાજુ ચકરાવા લીધા કરે છે. આપ અલૌકિક સર્વ લીલા રસના ભાવરૂપી શૃંગારથી સુશોભીત અને સહજસુંદર: છે (શ્લો. ૩૨), ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનાર (શ્લો.૨૭), સર્વ કરતાં શ્રેષ્ઠ (પર: શ્લો. ૨૮) એવા શ્રી વલ્લભને વિસારી દઈ જેના નયન બીજે ભટકવા જાય તેનું જીવતર ધૂળ સમાન છે, તેનો જન્મ વૃથા છે, પ્રભુએ કરૂણાથી વરણ કર્યું તે પણ એળે ગયું છે.


એકાગ્રતા ખુબ જ ઉપયોગી ગુણ છે, અલૌકિકમાં તો એકાગ્રતા પ્રથમ પગથીયું ગણાય. ધ્રુવે એકાગ્ર ચિત્તથી માત્ર છ માસમાં અત્યંત નાની વયે સાક્ષાત્કાર સિદ્ધ કર્યો હતો. આપણે પણ સ્થિર ચિત્તે એક શ્રી વલ્લભ નામ જહાજમાં યાત્રા કરી ભવસાગર તરી શકીશું.


शरणागति जब लेत हैं, करत त्रिविध दुःख दूर |
शोक मोह तें काटीके, देत आनद भरपूर ||१५||


શ્રી વલ્લભનું શરણ મળે એટલે સર્વ કાર્ય આપોઆપ સિદ્ધ થઇ જાય છે. લૌકિક અને અલૌકિક, આ લોકના અને પરલોકના, આધીભૌતિક, આધ્યાત્મિક અને આધીદૈવિક ત્રણે પ્રકારના સંતાપ તુરત નાશ પામે છે. આપનું સ્મરણ કરવાથી જ સર્વ દુખ, સર્વ તકલીફ, સર્વ આર્તિનો તત્કાલ નાશ કરે છે, (સ્મૃતીમાત્રાર્તીનાશન: શ્લો. ૭). આપણા મનમાં રહેલા શોક અને મોહ જેવા માયા જનિત અનેક બાધક બંધનો કાપી શ્રી વલ્લભ આપણને પ્રભુની પ્રીતિથી રસ તરબોળ કરી દે છે. માત્ર અંગીકાર કરીને અટકી નથી જતા પણ આપણે પ્રભુને લાયક થઈએ, પ્રભુને પ્રિય થઈએ, પ્રભુ આપણને પ્રિય માને તેવું કરે છે. આથી જ શ્રી સર્વોત્તામમાં આપનું શ્રી અંગી કૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ:’ (શ્લો. ૧૦) એવું પરમ પાવનકારી નામ બિરાજે છે. પ્રભુ તો સત્, ચિત્ત્ અને આનંદ સ્વરૂપ છે. આવા આનંદ ઘન સ્વરૂપની પ્રીતિથી જીવ પણ રસ તરબોળ અને આનંદમય બની જાય છે.


પુષ્ટિની આજ ખૂબી છે, આ જ મહાનતા છે. અહીં રસેશ્વર શ્રી કૃષ્ણનું સાનિધ્ય છે, લીલાની અનુભૂતિ છે, શુદ્ધ આનંદ છે. પ્રભુની કૃપાથી આપણું વરણ થયું છે તો તેનો આનંદ અહર્નિશ માનતા રહીએ અને શ્રી વલ્લભના ગુણગાન ગાતા રહીએ.


ક્રમશ:


( નોંધ: આ લેખમાળામાં આપેલા શ્લોક ક્રમાંક, અન્ય ઉલ્લેખ ન હોય તો, શ્રી સર્વોત્તમ સ્તોત્રના શ્લોક ક્રમાંક છે)શ્રી મહાપ્રભુજી હરિરાયજી કૃત શ્રી વલ્લભ સાખી ની ઝાંખીમહેશ ભાઈ શાહ,વડોદરા ની કલમ દ્વારા દાદીમા ની પોટલી પર આપ સમયાંતરે નિયમિત માણી શકો તે અંગે અમો નમ્ર કોશિશ -પ્રયાસ કરેલ છે.  દાદીમા ની પોટલી’ પર શ્રી વલ્લભ સાખીની પોસ્ટ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

નોંધ :  વલ્લભ સાખી ભાગ -૧ આ અગાઉ આપે માણ્યો ન હોય તો, આપની  ની સરળતા માટે  ભાગ -૧ ની બ્લોગ લીંક આ સાથે  અહીં દર્શાવેલ છે, જેના પર ક્લિક કરવાથી તે અહીં જ માણી શકાશે