Saturday, October 7, 2017

‘વલ્લભ સાખી’ …શ્રી હરિરાયજી કૃત




મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …. 
શ્રી વલ્લભ સાખી   …   (૧-૫)
ભાગ – [૧]


આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ દૈવી જીવોના ઉધ્ધારનું કાર્ય અને કર્તવ્ય વલ્લભ વંશને સોપ્યું છે અને તે માટે જ આપનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કરી ત્યાર બાદ જ ભૂતલ પરથી વિદાય લીધી છે. શ્રી ગુંસાઈજીના દ્વિતીય લાલ શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજીને પણ તેમની ભક્તિ, તેમની વિદ્વતા, તેમના જ્ઞાન અને તેમની પુષ્ટિ સાહિત્ય રચના જેવી અનેકવિધ ઉપલબ્ધીઓને કારણે મહાપ્રભુજી કહેવામાં આવે છે. આપશ્રીના શિક્ષાપત્રો અત્યંત જાણીતા છે અને દરેક વૈષ્ણવના ઘરની શોભા વધારે છે. આપશ્રી દ્વારા સર્જાયેલા વિપુલ સાહિત્યમાં શ્રી વલ્લભ સાખીનો પણ સમાવેશ થાય છે. તેમાં શ્રી વલ્લભાચાર્યજી, આપનો વંશ, વ્રજ, વૈષ્ણવ રત્નો અને અલબત, પ્રભુ સેવાની સાર રૂપ વાતો કાવ્યાત્મક શૈલીમાં કહેવાઈ છે. આ રસાત્મક ગ્રંથનું સત્સંગના માધ્યમે અવગાહન કરવાનો ઉપક્રમ છે. દર મહીને થોડું થોડું રસપાન કરીને આપણે ધન્ય બનીશું. આવો આપણે હરિ, ગુરુ, વૈષ્ણવના ચરણોમાં ભાવ પૂર્વક વંદી પ્રારંભ કરીએ.

श्री वल्लभ पद वंदो सदा, सरस होत सब ‍‌‌‌‌‌‍ज्ञान |
‍’
रसिकरटत आनंद सों, करत सुधारस पान. ||
કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે જેને પૂજ્ય અથવા શ્રદ્ધેય માનતા હોઈએ તેમના આશીર્વાદ યાચીને કરાય. આ જ ભારતીય સંસ્કૃતિ છે. મંગલાચરણમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભને જ પ્રાર્થે છે કારણ કે આપની કૃપાથી જ સાચું અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. દૈવી જીવોને આ કરાલ કલિ કાલમાં પણ શ્રીકૃષ્ણની સારસ્વત કલ્પની લીલાનો આસ્વાદ અને અનુભૂતિ આપવા આપે ભૂતલ પર પધારવાનો પરિશ્રમ કીધો છે. આથી જ સાચા અને સારા, કહો કે દિવ્ય આધ્યાત્મિક જ્ઞાનના દાતા તો શ્રી વલ્લભ જ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રારંભે જ આપનું આનંદએવું નામ બિરાજે છે અહીં શ્રીહરિરાયજી કદાચ એ જ નામ લેતાં કહે છે કે શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવાથી અમૃતનું પાન કરવા મળે છે. સ્વર્ગનું અમૃત તો માત્ર મૃત્યુથી રક્ષણ આપે છે, શ્રી વલ્લભ સુધા તો પ્રભુથી વિખુટા પડેલા જીવને પ્રભુ સાથેનો સંબંધ જોડી આપે છે.

ओर कछु जान्यो नहीं, बिना श्री वल्लभ एक |
कर ग्रहि के छांड़े नहीं, जिनकी ऐसी टेक ||
શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ સિવાય હું કાંઈ જાણતો જ નથી. વાત એકનિષ્ઠ દ્રઢ આશ્રયની છે. ભક્તની આસ્થા, શ્રદ્ધા અને નિષ્ઠાનું ધ્રુવ કેન્દ્ર શ્રી વલ્લભના ચરણારવિંદ જ હોવાં ઘટે. આ દ્રઢતા અકારણ નથી, આ શ્રદ્ધા છે અંધશ્રદ્ધા નહીં તે દર્શાવતા શ્રી હરિરાયજી કહે છે કે મારા શ્રી વલ્લભનું બિરૂદ એવું છે કે એક વાર જીવનો હાથ પકડે પછી ક્યારે ય છોડતા નથી. શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસજી ચરિત્ર પરથી પણ આ જ વાત સિદ્ધ થાય છે. અત્યંત ગુસ્સામાં પણ, વૈષ્ણવોનો અપરાધ કર્યો હતો છતાં મહાપ્રભુજીએ માત્ર વૈદિક વિધિથી ત્યાગ કર્યો હતો. આપે દિલથી ક્યારેય અળગા કર્યા ન હતા.

श्री वल्लभ वल्लभ रटत हों, जहाँ देखो तहां येह |
इन्हीं छांड और हीं भजे, तो जर जावो वा देह ||

માત્ર અવિરત સ્મરણ જ નહીઁ શ્રીહરિરાયજીને તો અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભનાં જ દર્શન થાય છે. આપણને ગુજરાતીઓને કવિ કલાપીની પેલી પંક્તિઓ જ્યાં જ્યાં નજર મારી ઠરે…’ યાદ આવી જ જાય. મર્યાદા માર્ગમાં પણ કહેવાયું છે કે દરેક જીવમાં પરમાત્માને જુઓ. આપણે વૈષ્ણવોએ તો દ્વિવિધ આંધરોઅને એહી તેહી, તેહી એહીની ગળથૂથી પીધી હોવાથી શ્રી વલ્લભ અને શ્રીજી બાવામાં કશો ભેદ દેખાતો જ નથી. જો બધે જ શ્રી વલ્લભના દર્શન થાય તેવી તન્મયતા પ્રાપ્ત થઇ હોય તો પછી બીજું કાઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી, સાકરનો સ્વાદ ચાખી લીધા પછી ભલા ખાખરાના સ્વાદમાં રસ આવે ખરો? ન જ આવે. આથી જ શ્રી હરિરાયજી કહે છે કે એમને છોડીને અન્યને ભજવા કરતાં તો આ દેહ ભસ્મીભૂત થઇ જાય તે જ યોગ્ય છે. દ્રઢ નિર્ણય ધરાવનારા હંમેશા ‘Do or Die’ ની ખુમારી ધરાવતા હોય છે. તેવી જ રીતે દ્રઢ આશ્રય ધરાવનારા પણ અન્યાશ્રય કરવા કરતાં દેહ પાડી દેવાને તૈયાર થઇ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ જ વાત છે કે અન્ય ધર્મ ભયાવહ છે, તેના કરતાં પોતાના ધર્મમાં નિધન શ્રેયસ્કર છે.

देवी देव आराधिके, भूल्यो सब संसार |
श्री वल्लभ नाम नौका बिना, कहो को उतर्यों पार ||

હિંદુ ધર્મમાં જ ૩૩ કરોડ દેવી-દેવતા માનવામાં આવે છે; અન્ય ધર્મોના તો જુદા! આપણાં આખા કવિ અખાએ ગયું છે કે પથ્થર એટલા પૂજ્યા દેવ’. સમગ્ર સંસારના લોકો અનેક દેવી દેવતાઓને યાચીને સંસારમાં અટવાતા રહે છે. રણમાં ભૂલા પડેલા વટેમાર્ગુની જેમ ઝાંઝવાના જળ પાછળ ભટકતા રહે છે. પોતાનું સાચું શ્રેય શામાં છે તે ભૂલી જાય છે. સંસાર સાગરમાં અનેક અવરોધો રહેલા છે. ઊંચા મોજાઓ, ભરતી, ઓટ, ઝંઝાવાતી પવનો, વિકરાળ જળચરો સૌ મળી માણસની જીવન યાત્રાને વિકટ બનાવે છે. આ સમસ્યા વિકટ છે પણ પ્રભુ નિકટ ન હોય તો જ. આ અફાટ સમંદર પાર કરવા માટે એક આસાન ઉપાય છે શ્રી વલ્લભ નામ નૌકાનો આશ્રય. જેઓ કૃપાથી વંચિત રહી ગયા છે અને આ નૌકાનો સહારો નથી મળી શક્યો તેમના માટે પાર ઉતરવું અત્યંત દુષ્કર, કહો કે અસંભવ છે. તેમને તો અહીં જ ડુબકા ખાતા રહેવાનું છે.

ऐसे प्रभु क्यों विसारिये, जाकी कृपा अपार |
पल पल में रटते रहो, श्री वल्लभ नाम उच्चार ||

આપણને ભવસાગર પાર ઉતારવાની પારાવાર કૃપા કરે તેવા પ્રભુને કેમ ભૂલીએ? આપણું નાનું પણ કામ કરી આપનારને પણ આપણે ક્યારે ય ભૂલતા નથી તો પછી આવી અસીમ કૃપા કરનારા પ્રભુને તો કેમ વિસરીએ? શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રત્યેક પળે શ્રી વલ્લભના નામનું રટણ કરતા રહેવું જોઈએ. આમ પણ આચાર્યશ્રીનો સિધ્ધાંત જ છે કે ગાયના શીંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું અનુસંધાન છૂટે તો આસુરાવેશ થઇ જાય. આચાર્યજીની કૃપાથી પ્રભુએ આ પરમ પાવક પુષ્ટિ માર્ગમાં આપણું વરણ કર્યું છે, તે કૃપા વ્યર્થ ન જાય, પુષ્ટિમાં થયેલો સ્વીકાર એળે ન જાય તે માટે પણ આપણે આસુરાવેશથી બચવાનું છે. દાન કરતા દાની મોટા એ મહત્વની વાત વીસર્યા વગર આપણે સતત શ્રી વલ્લભનું નામ લેતા રહેવાનું છે. જો એ વ્યસન થઇ જાય તો સમજો આપણો બેડો પાર!

આપના બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.




No comments:

Post a Comment